જુનાગઢ સકકરબાગ ઝુમાં વધુ પ સિંહ બાળનો જન્મ થયો

છેલ્લા 11 મહિનામાં જન્મેલા કુલ સિંહ બાળની સંખ્યા 29 થઇ

અબતક, દર્શન જોશી,જુનાગઢ

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક માદા સિંહણે પાંચ બચ્ચાંને જન્મ આપતાં સિંહ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. બીજી બાજુ સકરબાગ ઝૂ સત્તાવાળાઓ દ્વારા પ્રસૂતા સિંહણ અને તેમના પાંચ બચ્ચા ઉપર દેખરેખ અને ભારે સંભાળ રાખવામાં આવી રહી છે.

જુનાગઢ પ્રાણીસંગ્રહાલયમાં રહેતી ડી 22 નામની સિંહણ એ આકોળવાડી સિંહ સાથેના મેટીંગથી આજે એકી સાથે પાંચ સિંહ બાળને જન્મ આપ્યો છે. પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર નર સિંહ આકોલવાડી તથા ડી 22 નામની સિંહણના પાંચેય બચ્ચા હાલમાં તંદુરસ્ત અને સ્વસ્થ છે. તથા સિંહણ એ બચ્ચાને જન્મ આપ્યા બાદ પૂરી રીતે સ્વસ્થ છે. તથા સકરબાગ ઝૂ ના અધિકારીઓ, કર્મીઓ તથા વેટરનરી ડોકટરો દ્વારા પ્રસૂતા સિંહણ તથા પાંચેય સિંહબાળ ઉપર પૂરતી નજર રાખવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, જુનાગઢ સક્કરબાગ ઝૂ મા એક સાથે 5  સિંહ બાળ ને જન્મ આપનારી ડી 22 નામની સિંહણે ગત વર્ષે પણ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો, આમ અત્યાર સુધીમાં ડી 22 સિંહણે સક્કરબાગ ઝૂ ને 8 સિંહ બાળ ભેટ આપ્યા છે.

દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નીરવ મકવાણા ના જણાવ્યા અનુસાર છેલ્લા એક માસમાં સક્કરબાગ ઝુ પ્રાણી સંગ્રહાલયમાં જન્મ લેનાર સિંહબાળની સંખ્યા 29 પર પહોંચી છે અને હજુ અન્ય સિંહણ ગર્ભવતી છે ત્યારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં હજુ વધુ સિંહબાળ અવતારી શકે તેમ છે.