પાણીજન્ય રોગચાળાનો હાહાકાર છતા આરોગ્ય શાખાએ ક્લોરીન ટેસ્ટ માટે લીધેલા પાણીના તમામ 396 સેમ્પલનો રિપોર્ટ પાસ
શરદી–ઉધરસના 620, સામાન્ય તાવના 624, ઝાડા–ઉલ્ટીના 229, મેલેરિયા અને ટાઇફોઇડનો એક–એક કેસ મળી આવ્યા: મચ્છરોની ઉત્પતિ સબબ 134 આસામીઓને નોટિસ
શહેરમાં પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. કમળાનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કમળાના નવા પાંચ કેસ નોંધાતા માત્ર સાડા ચાર મહિનામાં જ શહેરમાં કોર્પોરેશનના ચોંપડે કમળાના 45 કેસ નોંધાયા છે. ક્લોરીન ટેસ્ટ માટે આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા પાણીના તમામ સેમ્પલ પરિક્ષણમાં પાસ થઇ ગયા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 134 આસામીઓને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરની અલગ–અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી–ઉધરસના 620 કેસ મળી આવ્યા હતા. જ્યારે સામાન્ય તાવના પણ 624 કેસ નોંધાયા હતા. ઝાડા–ઉલ્ટીના 229 અને ટાઇફોઇડ તથા મેલેરિયાનો પણ નવો એક–એક કેસ નોંધાયો હતો. પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે શહેરના અલગ–અલગ વિસ્તારોમાંથી કોર્પોરેશન દ્વારા નળ વાટે વિતરણ કરવામાં આવતા પાણીના 396 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ સેમ્પલ પરિક્ષણમાં પાસ જાહેર કરવામાં આવ્યા છે. શહેરના અલગ–અલગ વિસ્તારોમાં 28574 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ફિલ્ડ વર્કરો દ્વારા 279 ઘરોમાં ફોગીંગની કામગીરી કરાય હતી. આ ઉપરાંત જ્યાં માનવ સમુદાય વધુ એકત્રિત થાય છે તેવા વિસ્તારો જેવા કે મંદિર, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળા અને જાહેર રસ્તાઓ પર વ્હીકલ દ્વારા માઉન્ટેન ફોગીંગ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિન રહેણાંક હેતુની 614 મિલકતોમાં મચ્છરના ઉપદ્રવ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી માત્ર 54 સ્થળોએ મચ્છરના લારવા મળી આવતા નોટિસ આપવામાં આવી હતી.
જ્યારે રહેણાંક હેતુની 80 મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ આપવામાં આવી છે. ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. જો કે, કમળા તાવનો કહેર ઘટવાનું નામ લેતો નથી.