Abtak Media Google News

રૂ.૨૦૦૦ અને ૫૦૦ના દરની ૪૦ નોટ કબ્જે

ધોરાજી, શાપર અને જેતપુરના શખ્સોની સંડોવણી: છ શખ્સોની શોધખોળ

દેશના અર્થતંત્રને ખોખલું કરવાના ખૌફનાક કૌભાંડનો રૂરલ એલસીબી અને એસઓજી સ્ટાફે પદાર્ફાશ કરી રૂ.૭૪ હજારની ૪૦ જાલીનોટ સાથે પાંચ શખ્સોને ધોરાજીના છાડવાવદર ગામની ગૌશાળા પાસેથી ઝડપી લીધા છે. જાલીનોટ કૌભાંડમાં છ શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે શોધખોળ હાથધરી કૌભાંડના મુળ સુધી પહોચવા કવાયત હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના છાડવાવદર ગામે જાલીનોટ ગામે કેટલાક શખ્સો પાસે હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ.ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

છાડવાવદર ગામની ગૌશાળા પાસેથી છાડવાવદરના જતીન રસીક વાઘેલા, સાગર ઉર્ફે નુરી નાગજી પરમાર, શાપરના વિમલ બીપીન સોલંકી, જેતપુર નવાગઢના સંજય પુના ચૌહાણ, મોટી મારડના ચિંતન ભરત રાવલ નામના શખ્સોને રૂ.૭૪ હજારની કિંમતની ૨૦૦૦ના દરની ૩૬ અને ૫૦૦ના દરની ચાર નોટ સાથે ધરપકડ કરી છે.

પાંચેય શખ્સોની પૂછપરછ દરમિયાન જાલીનોટ જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામના હમીર મેર, સુપેડીના હાર્દિક ઘેટીયાની મદદથી અમદાવાદના હિમાન્શુ નામના શખ્સ પાસેથી મગાવ્યાની અને જાલીનોટ છાડવાવદરના ભરત રાયધન હેરભા અને ધોરાજીના વેગડી ગામના ભાવેશ રબારીને પણ આપી હોવાની કબુલાત આપતા પોલીસે ૧૧ શખ્સો સામે જાલીનોટ અંગેનો ગુનો નોંધી છ શખ્સોને એસ.ઓ.જી.પી.આઇ. એમ.એન.રાણા સહિતના સ્ટાફે શોધખોળ હાથધરી છે.

અમદાવાદનો હિમાન્શુ ઝડપાયા બાદ જાલીનોટ કયાં બનાવી અને કોને કોને આપી છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.પોલીસે ઝડપાયેલા પાંચેય શખ્સો પાસેથી ચાર મોબાઇલ કબ્જે કરી તેઓ કોના સંપર્કમાં હતા તે અંગેની ડીલેટલ કઢાવવા કવાયત હાથધરી છે. જાલીનોટ કૌભાંડ કેટલા સમયથી ચાલતુ હતુ અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિશેષ પૂછપરછ માટે પાંચેયને દસ દિવસના રિમાન્ડની માગણી સાથે પી.આઇ. એમ.એન.રાણા સહિતના સ્ટાફે ધોરાજી કોર્ટમાં રજૂ કર્યા છે.

જાલીનોટ કૌભાંડના મુળ સુધી પહોચવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ એસ.ઓ.જી.ને તપાસ સોપી છે. અને ટૂંક સમયમાં જ જાલીનોટ કૌભાંડનું રેકટ ભેદવામાં આવશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.