ભરૂચના નેત્રંગમાં અકસ્માતમાં પાંચ લોકોનાં મોત, ટક્કર બાદ કાર ખાઈમાં ખાબકી

ભરૂચઃ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પેસેન્જર કારને અજાણ્યા વાહને ટક્કર મારતા કાર ખાઈમાં ખાબકી હતી. આ આકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાર મહિલાઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

નેત્રંગ મોવી રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ માર્ગ પરથી એક પેસેન્જર ઇકો કાર મુસાફરોને બેસાડી પસાર થઈ રહી હતી એ દરમ્યાન પુર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહને કારણે ટક્કર મારી હતી. જોરદાર ટક્કરના કારણે કાર માર્ગની નીચે ખાઈમાં ખાબકી હતી જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર ઇજાના પગલે 4 મહિલાઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.

બનાવની જાણ થતા જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત કારને બહાર કાઢી હતી. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.