Abtak Media Google News

જેલમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા ઝઘડાના કારણે વિપ્ર યુવાન ફરી જેલમાં આવ્યો ત્યારે માર માર્યો

જેલમાં માથાભારે કેદીઓ ગેંગ બનાવી જેલમાં એકલ દોકલ કેદી પર રોફ જમાવવાની અને પોતાની મનમાની કરાવવાની ઘટના હિન્દી ફિલ્મમાં જોવા મળે છે તે રીતે રાજકોટની મધ્યસ્થ જેલમાં હત્યાની કોશિષના કાચા કામના કેદી પર અન્ય પાંચ કેદીઓએ ઢીકાપાટુ મારી જમણો હાથ ખેડવી નાખતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉમંગ ગોવિંદ પટેલ પર ફાયરિંગ કરી હત્યાની કોશિષના ગુનામાં જેલ હવાલે થયેલા ઇશાન ભીખા જોષી નામના ૨૬ વર્ષના વિપ્ર યુવાનને મધ્યસ્થ જેલમાં આકાશ, સંજય, જયદેવ, હિરેન ભોગીલાલ ઉર્ફે ભીખો નામના શખ્સો જેલમાં માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ગઇકાલે સાંજના જેલમાં તમામ કેદીઓએ જમી લીધા બાદ હિરેન ભોગીલાલ વિપ્ર યુવાન ઇશાન જોષી પાસે આવ્યો હતો અને તને સંજય મિયાત્રા બોલાવે છે તેમ કહી બેરેકના બાથરૂમ પાસે લઇ જઇ પાંચેય શખ્સોએ ઢીકાપાટુ મારી હાથ ખેડવી નાખ્યાનું ઇશાન જોષીએ જણાવ્યું છે.

કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે ફાયનાન્સનો ધંધો કરતા ઇશાન જોષી ત્રણેક વર્ષ પહેલાં હત્યાના ગુનામાં જેલમાં હતો ત્યારે સંત કબીર રોડ પર ભરવાડ યુવાનની હત્યાના ગુનામાં રહેલા સંજય મિયાત્રા સાથે ઝઘડો થયો હતો. સંજય મિયાત્રાએ જેલના અધિકારીઓને કહીને ઇશાન જોષી પાસે રહેલો મોબાઇલ પકડાવી દીધો હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો દરમિયાન ઇશાન જોષીનો જેલમાંથી છુટકારો થયો હતો.

દરમિયાન ગત ફેબ્રુઆરી માસમાં પૂષ્કરધામ પાસે મિત્રની જન્મ દિવસની પાર્ટી દરમિયાન ઝઘડો થતા વિશાલ ભીખા જોષી, ઇશાન જોષી, મિલનસિંહ મહિપતસિંહ ચુડાસમા અને ડેનિશ ભરત દેસાણી તેમજ રમેસ કાના લાવડીયાએ ઉમંગ પટેલ પર ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરતા પાંચેયને જેલ હવાલે કરાયા હતા. ઇશાન જોષી સિવાયના તમામનો જામીન પર છુટકારો થયો હતો.

ઇશાન જોષી અને સંજય મિયાત્રા વચ્ચે ત્રણેક વર્ષ પહેલાં જેલમાં થયેલા ઝઘડાના કારણે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.