Abtak Media Google News

જામનગરની હોસ્પિટલમાં ખાઈ કે ચાવી ન શકતા દર્દીઓ માટે ખાસ સુવિધા

જામનગરની  કોવિડ હોસ્પિટલમાં ડાયાબીટીસ ધરાવતા હોઇ, ખાય કે ચાવી ન શકતા હોય તેવા  કોરોનાના દર્દીઓને પાંચ પ્રકારના લીકવીડ ડાયટ ફૂડ આપવામાં આવે છે. જેમાં પ્રવાહી ખોરાકમાં મગનું પાણી ટમેટા સુપ, મિલ્ક પાઉચ, છાશ, હળદરવાળુ મોળું દૂધ વગેરેનો સમાવેશ થાય છે તેમ જી.જી.હોસ્પિટલના એડીશનલ સુપ્રિન્ડન્ટ ડો.અજય તન્નાએ જણાવ્યું હતું.

કોવિડ હોસ્પિટલમાં દરેક ફલોર ઉપર એક ફલોર મેનેજર હોય છે. જે કોરોનાના દર્દીઓ પોતાના ઘરેથી ટીફીન ન મંગાવતા હોય તેવા દર્દીઓ ભોજનની ડીસ માટે સવારે ફલોર સિસ્ટરને જણાવી આપે છે. દરેક ફલોરના સિસ્ટર પોતાના ફલોરની જરૂરિયાત મુજબની ભોજનની ડીસનો ઓર્ડર રસોડાના ઇન્ચાર્જ હિતેશ અગ્રાવતને સવારે ૧૧ વાગ્યા સુધીમાં આપી દે છે. અને ૧ વાગ્યા સુધીમાં ભોજન તૈયાર થઇ જાય છે. ડિસ્પોઝેબલ ડીસમાં ભોજન પેક કરી બેટરી રિક્ષામાં આ ફૂડ ડીસો કોવિડ હોસ્પિટલમાં ફૂડ ટ્રોલીમાં લઇ જવામાં આવે છે. અગાઉથી આવેલ ઓર્ડર મુજબ દરેક ફલોર ઉપર ભોજનની ડીસો પહોચાડવામાં આવે છે.

હોસ્પિટલનું પોતાનું જ રસોડુ છે. જેમાં ૧૦ રસોયા દ્વારા રસોઇ બનાવવામાં આવે છે. આ રસોયાને રોજગારી પણ મળી રહે છે. આ રસોડાના સ્ટાફ માસ્ક -કેપ વગેરેની પહેરીને જ કામ કરે છે. ચોખ્ખાઇનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. રસોઇની કાચી સામગ્રી અને શાકભાઇજી હોસ્પિટલ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. ગુણવતાયુકત ભોજન દર્દીઓને ત્રણેય વખત વિનામૂલ્યે પૂરુ પાડવામાં આવે છે.  ડો.અજય તન્નાના જણાવ્યા અનુસાર તહેવારોમાં કોરોનાના દર્દીઓ ઘરે જઇ નથી શકતા. એટલે દર્દીઓને ઘરનો અભાવ ન સાલે એ માટે દશેરા, દિવાળી સહિતના તહેવારોમાં ચુરમાના લાડવા, મોહનથાળ, જાંબુ, બુંદી વગેરે મીઠાઇ આપવામાં આવી હતી. કોરોનાના દર્દીઓને બોટલ્ડ વોટર કલેકટર રવિશંકરના સહયોગ અને સુચનથી પૂરી પાડવાનું શરૂ કરાયુ હતું.  આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, કોવિડના સચિવ પંકજકુમાર, પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના સહકાર અને માર્ગદર્શન હેઠળ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપરાંત ગુણવત્તાયુકત ભોજન પણ અપાઇ રહયુ છે. સારવાર ઉપરાંત દર્દીઓના ભોજન માટે પણ રાજય સરકાર વ્યવસ્થાઓ કરે છે. તેમ જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.