ઉડતા પંજાબની માફક ઉડતા ગુજરાત…? રાજકોટમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ભગવતીપરમાંથી ૩૩૦ ગ્રામ ચરસનો જથ્થો મળ્યો: ગંજીવાડામાંથી બુટલેગર એક કિલો ગાંજા સાથે મળી આવ્યો: નશીલા પદાર્થોનું મુળ ખોધવા પોલીસની તપાસ

 

અબતક, રાજકોટ

યુવાધનનો બરબાદ કરી નાખવાના ઇરાદે નશીલા પદાર્થોના રવાડે ચડાવી દેવાના ચાલી રહેલ વ્યવસ્થીત નેટવર્કના કારણે ઉડતા પંજાબની માફક હવે દિવસેને દિવસે ઉડતા ગુજરાત બનવા જઇ રહ્યું છે. ત્યારે ગઇરાત્રે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળેલી માહીતીના આધારે ભગવતીપરા અને ગંજીવાડામાં છાપો મારી ચસર અને ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી નશીલા પદાર્થનું મુળ શોધવા બન્ને આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર ચરસનો વેપલો થતો હોવાની બાતમી પરથી રાત્રે એચ.ઓ.જી.ના સ્ટાફે વોચ ગોઠવી હતી જેમાં લાલ કલરના એકસેસ પર નીકળેલા ભગવતીપરા ખોડીયાર પાર્ક, શેરી નં. ૧ માં ભાડાના મકાનમાં રહેતા શાહબાઝહુશેન દીલુભાઇ મકવાણા (ઉ.વ.ર૯) ની અટકાયત કરી તલાસી લેતા એકસેસની ડેકીમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે પોલીસે એફ.એસ.એલ.ને જાણ કરી નશીલા પદાર્થની ચકાસણી કરાવતા ચરસ (હસીસ) હોવાનો અભિપ્રાય આવતા પોલીસે આરોપી સામે એન.ડી.પી. એસ. એકટનો ગુનો નોંધી ‚. ૪૯,૫૦૦ ની કિંમતનું ૩૩૦ ગ્રામ ચરસ અને ૩૦ હજારનું એકસેસ કબ્જે કર્યુ હતું.

જયારે સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ દ્વારા ગંજીવાડા મેઇન રોડ પર પીટીસી ગ્રાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા બુટલેગર મહેબુબ અયુબ શાહમદાર (ઉ.વ.ર૭) ની અટકાયત કરી તલાસી લેતા તેની પાસેથી ‚. ૧૦ હજારની કિંમતનો એક કિલો ગાંજાનો જથ્થો મળી આવતા આરોપી સામે એન.ડી.પી. એસ. એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની પુછપરછમાં આરોપી મહેબુબ રાજકોટ તાલુકા અને જુનાગઢ ખાતે અગાઉ દા‚નો ધંધો પડતો મુકી નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણ શરુ કરી દીધું હોવાની કબુલાત આપી છે.

ભગવતીપરા અને ગંજીવાડામાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે શખ્સો પકડાયા બાદ નશીલા પદાર્થોનું મુળ શોધવા પોલીસે બન્ને આરોપીઓની અછત પુછપરછ કરી રીમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી એસ.ઓ.જી. ના પી.આઇ. આર.વાય. રાવલ, પી.એસ.આઇ. એમ.એસ. અંસારી, ટી.બી પંડયા ઝહીરભાઇ, અનિલસિંહ, સીરાજભાઇ, યુવરાજસિંહ, યોગેન્દ્રસિંહ, મોહીતસિંહ, હીતેષ પરમા સહીતના સ્ટાફે કરી હતી.