Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું

  • દ્વારકા-4 મીમી
  • બાયડ-3મીમી
  • મહીસાગર-2મીમી
  • ખંભાળિયા-2મીમી
  • રાજકોટ-1.1મીમી
  • જામનગર-1મીમી

વેસ્ટર્ન ડિસ્ટબનર્સની અસર તળે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં બે દિવસ માવઠાની આગાહી: ધાબળિયું વાતાવરણ રહેશે  શિયાળુ પાકને નુકશાન થવાની ભિતી

જામજોધપુરના મોટી ગોપમાં પોણો ઈંચ કમોસમી વરસાદ પડતા ગામમાં પાણી-પાણી: રાજકોટ, જામનગર, દ્વારકા, અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંંટા

અબતક, રાજકોટ

વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિગને કારણે કલાયમેટમાં ફેરફારો આવી રહ્યા છે. ત્યારે ભરશિયાળે આ વર્ષે ગુજરાતના વતાવરણમાં અનેકવાર પલટો જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદથી ખુડુતો પણ ચિંતિત બન્યા છે. વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિગની અસર તળે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક હિમવર્ષા થઈ રહી છે. કેલીફોનિયામાં તો એ હદે હિમવર્ષા થઈ રહી છે કે વાહનવ્યવહાર સંદતર બંધ કરવાની ફરજ પડી છે.ત્યારે વેસ્ટર્ન ડિસ્ટબનર્સની અસર તળે આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલથી જ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદી છાટા જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો.બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ હળવો પવન ફુંકાયો હતો. જેને લઈને ડુંગરાળ વિસ્તાર વિજયનગર પંથકમાં ઠંડીનું પ્રમાણ એકાએક વધી ગયુ હતુ. સાથો સાથ તાલુકાના કેટલાક સ્થળે વરસાદનું ઝાપટુ પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે બુધવારે ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું. બુધવારે દિવસભર ધૂંધળા વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાન સાડાત્રણ ડીગ્રી સુધી વધતાં સવારનું તાપમાન 18 ડીગ્રી, જ્યારે ગરમીનો પારો સાડાચાર ડીગ્રી સુધી ઘટતાં દિવસનું તાપમાન 23થી 24 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8થી 10 ડીગ્રી વચ્ચે રહે છે, પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતાં સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ રહ્યો છે.

બુધવારે સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જે સતત 5થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યાં હતાં, જેને કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ આવશે. હાલમાં વાતાવરણ બદલાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગઇકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદી છાંટા જોવા મળ્યા હતા. જેને લઇ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ દ્વારા અનેક ગુણી મગફળી પલળી ન જાય તે માટે પ્લાસ્ટીક ઢાંકીને સુરક્ષિત કરવામાં આવી હતી.

દુધઈમાં 3ની તીવ્રતાનો આંચકો

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ચાર આંચકા આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે સવારે 10:29 કલાકે ગોંડલથી 13 કિમિ દૂર 1.2ની તીવ્રતના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 12.3 નોંધાઇ હતી. ત્યારબાદ આજે મોડીરાતે શાપરથી 13 કિમિ દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું જેની ઉંડાઇ 18.9 નોંધાઇ હતી. આજે વહેલી સવારે 3:27 કલાકે અમરેલીથી 42 કિમિ દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું જેની ઉંડાઇ 5.8ની હતી અને સવારે 6:46 કલાકે કચ્છના દુધઈથી 9 કિમિ દૂર 3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ જમીનથી 12.9ની હતી.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ગુણી સુરક્ષિત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.