Abtak Media Google News

કોંગ્રેસે ભારત બંધના એલાનને આપ્યું સમર્થન: પોલીસ એલર્ટ

કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે દિલ્હીમાં છેલ્લા કેટલાંય મહિનાથી આંદોલન ધમધમી રહ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીથી આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ગુજરાતના ખેડૂત સંગઠનોએ બંધના એલાનને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો છે જેના કારણે ગુજરાત પોલીસ એલર્ટ બની હતી.

ભારત બંધના એલાનને સફળ બનાવવા ગુજરાતના ખેડૂત સંગઠનો સક્રિય બન્યા હતા. શનિવારે  અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલાં મરાઠા હોલમાં એક બેઠક મળી હતી જેમાં કિસાન સંગઠનો ઉપરાંત સામાજીક સંસ્થાઓ, મહિલા અને યુવા પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં કૃષિ કાયદા રદ  કરવાની માંગ સાથે રાષ્ટ્રીય કિસાન મોરચાએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે બંધના એલાનને સફળ બનાવવા નક્કી કરાયું હતું.

કોંગ્રેસે પણ ભારત બંધના એલાનને ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છેકે, ખેડૂત વિરોધી કૃષિ કાયદા રદ કરવા જોઇએ કેમ કે, આજે ગુજરાતમાં 224 પૈકી 114 એપીએમસી બંધ થવાના આરે છે. 15 એપીએમસી બંધ છે જયારે 7 એપીએમસીની આવક બંધ થઇ છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે ત્યારે કોંગ્રેસ ખેડૂતોને થતા અન્યાયની લડાઇમાં ભાગીદાર બની છે. ભારત બંધના એલાનને પગલે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ એલર્ટ બની છે. આંદોલનકારી ખેડૂતો ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પર આઈબીએ નજર રાખી છે. ખેડૂત સંગઠનો ઉપરાંત કોંગ્રેસે પણ ભારત બંધનું એલાન સફળ બને તે માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.