Abtak Media Google News

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું હતું.  હવે આ સંકટનો અંત આવી ગયો છે.  બંને દેશો વચ્ચે અનાજનો સોદો થયો છે. આ પછી, કાળા સમુદ્ર દ્વારા ખાદ્ય અનાજની નિકાસ ફરી શરૂ થશે.

રશિયા અને યુક્રેનના મંત્રીઓએ ટેબલના બે છેડાથી સામસામે આવીને ’બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવ’ નામના કરાર પર હસ્તાક્ષર કર્યા.  મધ્યમાં ટેબલની એક બાજુએ યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન બેઠા હતા.આ સમજૂતી માત્ર 4 મહિના માટે કરવામાં આવી છે અને યુક્રેન પ્રતિમાસ 50 લાખ ટન અનાજની નિકાસ કરશે. આમ 4 મહિનામાં 2 કરોડ ટન ઘઉંની નિકાસ થાય તેવી આશા છે.

ખાસ વાત એ છે કે આ સમજૂતીમાં તુર્કી અને સંયુક્ત રાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહી છે.  તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના પ્રવક્તા ઈબ્રાહિમ કાલિનીએ એક ટ્વીટમાં કહ્યું  વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે અનાજ નિકાસ કરાર અત્યંત મહત્વપૂર્ણ છે.  તેના પર ઈસ્તાંબુલમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  આ દરમિયાન યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ અને રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન હાજર હતા.

ખરેખર, યુક્રેનમાંથી અનાજ અને તેલના બીજની નિકાસ યુદ્ધ પછી લગભગ બંધ થઈ ગઈ હતી.  યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ અંગે ચેતવણી આપી હતી.  તેમણે કહ્યું હતું – જો યુદ્ધ આગળ વધે અને રશિયા, યુક્રેનથી અનાજનો પુરવઠો મર્યાદિત થાય તો લાખો લોકો ગરીબીની જાળમાં ફસાઈ જવાનો ભય છે.  રાજકીય અશાંતિ વધશે, બાળકોનો શારીરિક વિકાસ પ્રભાવિત થશે અને ભૂખમરો ફેલાશે.

યુદ્ધે રશિયા-યુક્રેન પુરવઠાને ખલેલ પહોંચાડી.  રશિયન હુમલાને નિષ્ફળ બનાવવા માટે યુક્રેને દરિયામાં લેન્ડમાઈન બિછાવી હતી.  બીજી બાજુ, રશિયાએ કાળા સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ઓડેસા પર નાકાબંધી કરી.  ત્યાંથી યુક્રેનનો માલ લોડ થાય છે.  આવી સ્થિતિમાં આ નાકાબંધી ખતમ કરવી જરૂરી હતી.  તે જ સમયે, અનાજના ઉત્પાદન માટે ખાતર એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે.  રશિયા નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફેટ આધારિત ખાતરોનો મુખ્ય સપ્લાયર છે.  રશિયા પરના પ્રતિબંધોને કારણે સપ્લાય પર અસર પડી હતી.

સમજૂતી પ્રમાણે યુક્રેન તુર્કીના રસ્તેથી અનાજની નિકાસ કરશે. યુક્રેનના ઓડેસા સહિતના 3 પોર્ટ પરથી અનાજ લઈને જહાજ તુર્કી જશે. ત્યાં જહાજોને અનલોડ કરવામાં આવશે તથા ત્યાંથી ક્ધટેનર્સને અન્ય દેશોમાં મોકલવામાં આવશે. જે જહાજો તુર્કીથી યુક્રેનના બંદરો પર પાછા આવશે તેમની સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, યુક્રેન અને રશિયાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. જહાજોમાં યુક્રેન માટે હથિયારો નથી આવ્યાને તે અંગે તપાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.