યાજ્ઞિક રોડ પર છાશવાલામાં કોર્પોરેશન ત્રાટક્યુ: લસ્સી અને આઇસ્ક્રીમના નમૂના લેવાયા

ફૂડ વિભાગનું ચેકીંગનું નાટક જારી 40 દુકાનોમાં ચેકીંગ, સબ સલામત !

જામનગર રોડ અને કોઠારીયા રોડ વિસ્તારમાં ખાણીપીણીની 40 દુકાનોમાં હાથ ધરાયેલા ચેકીંગ દરમિયાન અખાદ્ય ખોરાક ન પકડાતા ફરી ફૂડ વિભાગ શંકાના દાયરામા

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના યાજ્ઞિક રોડ પર કોઇન્સ કોર્નર બિલ્ડીંગમાં ગાઉન્ડ ફ્લોર પર આવેલા છાશવાલામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કેસર કાજુ લસ્સી અને વેનિલા આઇસ્ક્રીમના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે. ફૂડ વિભાગનું ચેકીંગનું નાટક હજુ જારી હોય તેવું લાગી રહ્યું છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે બજરંગ વાડીથી જામનગર રોડ સુધીના વિસ્તારો અને કોઠારીયા મેઇન રોડ પર ખાણીપીણીની 40 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં એક ગ્રામ પણ અખાદ્ય ખોરાકનો જથ્થો ન પકડાતા ભારે આશ્ર્ચર્ય ફેલાઇ જવા પામ્યું છે. ફૂડ વિભાગ દ્વારા યાજ્ઞિક રોડ પર પટેલ ડેરી પ્રોડક્ટ પ્રાઇવેટ લીમીટેડના છાશવાલામાંથી કેસર કાજુ લસ્સી અને વેનિલા આઇસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. જે પરિક્ષણમાં મોકવામાં આવ્યા છે. આ ઉપરાંત બજરંગવાડીથી જામનગર રોડ સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ પર 11 નમૂનાની ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ સાથે કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં 20 પેઢીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે બંને સ્થળોએ ચેકીંગ દરમિયાન રતિભાર પણ અખાદ્ય ખોરાકનો જથ્થો ન પકડાતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.