Abtak Media Google News

ગુજરાત રાજ્યની ખેલનીતિ, ખેલ મહાકુંભ જેવા આયોજનો, સવલતો વગેરેએ આ રમતને મોકળુ મેદાન પૂરું પાડ્યું: અન્ય રાજ્યોની સરખામણીમાં ફૂટબોલની રમત ગુજરાતમાં મોખરાના સ્થાને

કોરોનાના પરિણામે ઉદ્ભવેલી પ્રવર્તમાન મહામારીની સ્થિતિમાં મેદાની ફૂટબોલ તો જો કે માર્ચ મહિના પછી સદંતર બંધ જ છે, છતાં ઘણાને મૂંઝવતો એક પ્રશ્ન હોઈ શકે કે ગુજરાત અને ફૂટબોલને શું લાગે-વળગે? બહુ બહુ તો ક્રિકેટ સર્વવ્યાપી ખરું, પણ ગુજરાતમાં ફૂટબોલ? જો કે ઘણાને નવાઈ લાગે તેવી વાત એ છે કે તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન દ્વારા દેશભરના રાજ્યોના ફૂટબોલ એસોસિએશનોની કામગીરીના મૂલ્યાંકન અને ગ્રેડિંગ સંબંધી ૨૦૧૯-૨૦નો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતનો ક્રમાંક કહેતાં ગ્રેડ બારમા સ્થાને છે ! અહેવાલનો અભ્યાસ કરતા જણાયું છે કે, ઝારખંડ, આસામ કે હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યો કે જ્યાં ફૂટબોલ વધુ પ્રચલિત છે, વધુ રમાય છે અને વધુ સુવિધા ધરાવે છે તે રાજ્યો કરતાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે.

એટલું જ નહીં, ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન દેશના કેટલાંક રાજ્યોમાં ફૂટબોલના વિકાસ માટે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી વધુ પ્રોત્સાહન આપે છે. તેવા ઓરિસ્સા તથા જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની સરખામણીએ પણ ગુજરાતની કામગીરી વધુ સારી છે તેવું આ અહેવાલનું તારણ છે. ગુજરાતમાં ફીફાનો કોઇ પ્રોજેક્ટ નહિ હોવા છતાં પણ!

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ લગભગ ૨૫-૩૦ જિલ્લા એસોસિએશનો અને કેટલીક ખાનગી ક્લબો દ્વારા છેક જમીની સ્તરે ફૂટબોલના ખેલાડીઓ તૈયાર કરવાની જે નક્કર કામગીરી થઇ રહી છે તેને લીધે ગુજરાતમાં ફૂટબોલની રમત ખૂબ ઝડપથી બાળકો અને યુવાનોમાં લોકપ્રિય થઇ રહી છે. ગુજરાત રાજ્યની ખેલનીતિ, ખેલ મહાકુંભ જેવાં આયોજનો, રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી જેવી પ્રોત્સાહક સરકારી એજન્સીઓ, ટ્રાન્સસ્ટેડિયા વગેરે જેવી સવલતોએ પણ ફૂટબોલની રમતને રાજ્યમાં મોકળું મેદાન વિકસવા માટે પૂરું પાડ્યું છે.

ગુજરાતમાં અનુભવી ખેલાડીઓની પણ એક એવી ફોજ છે જે બાળકો અને યુવા ખેલાડીઓને નિરંતર પ્રોત્સાહન પૂરું પાડે છે. ગુજરાત વેટરનફૂટબોલએસોસિએશન આ ભૂતપૂર્વ ખેલાડીઓએ રચ્યું છે. સંતોષ ટ્રોફી રમી ચૂકેલા એક એવા વેટરન ખેલાડી વિજય કચ્છીનું હમણાં થોડા દિવસો પહેલાં જ અવસાન થયું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરેમાં આવા નામી-અનામી ખેલાડીઓ ગુજરાતમાં ફૂટબોલનું સ્તર ઊંચું આવે તે માટે સતત ચિંતિત, કાર્યરત અને પ્રયત્નશીલ છે.

પાટણ જિલ્લાનું મહાદેવપુરા સાપરા ગામ. ઠાકોર કોમની મુખ્ય વસતી. આ ગામની સાતથી આઠ છોકરીઓ ફૂટબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. કેવી રીતે તે એક રસસ્પ્રદ બાબત છે. આ ગામમાં એક જ સ્કૂલ. છોકરીઓ વધુમાં વધુ એક થી સાત ધોરણ સુધી જ ભણતી. એક શિક્ષકને ફૂટબોલમાં રસ ખરો. તે જાતે ખેડૂત. રંગતજી ઠાકોર એમનું નામ. તેમણે મહેનત કરી ગામના તળાવની જમીન સમથળ કરીને મેદાન બનાવ્યું. છોકરીઓને ફૂટબોલર માડવાનું શરૂ કર્યું. છોકરાઓ આવે, પણ બહુ ઓછા. બહુ રસ પણ ન લે. છોકરીઓએ ફૂટબોલમાં એવો રસ લેવાનું શરૂ કર્યું કે આજે તે ગામની સાતથી આઠ છોકરીઓ નેશનલમાંરમતી થઈ છે. અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને સીનિયરમાં આ ગામની છોકરીઓ જ અવ્વલ હોય. હવે સ્થિતિ એ થઈ છે કે ગામની છોકરીઓ પહેલાં જે માત્ર સાત ધોરણ સુધી વધુમાં વધુ ભણતી હતી તે હવે કોલેજમાં ભણતી થઈ છે. ગુજરાતમાં ફૂટબોલનો આ છે પ્રતાપ! આવાં ઘણાં ઉદાહરણો જોવા મળી શકે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર વિગેરે શહેરોમાં ખાનગી અને સરકારી સગવડો, ફૂટબોલક્લબો, એકેડેમીઓવિગેરેને લીધે ફૂટબોલનો વ્યાપ નિરંતર વધતો જાય છે.

ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ‘અત્ર લુપ્તા સરસ્વતી’ની જેમ ગુજરાતમાં પણ ફૂટબોલ માટે અદૃશ્ય રીતે એક વિશેષ વળગણ બની રહ્યું છે. કોવિડ-૧૯ને લીધે પણ ગુજરાતમાં ફૂટબોલ બહુ દેખા નથી દેતો. પરંતુ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ફૂટબોલનાઅહેવાલને બે પંક્તિઓની વચ્ચે વાંચીએ તો ગુજરાતમાં ફૂટબોલ મક્કમ રીતે આગળ ધપે છે તેમ જણાય છે.

ગુજરાતમાં જૂના નવા ખેલાડીઓ કોચ, રેફરી તરીકેની માન્યતા ધરાવે છે અને સંખ્યાબંધ ઉગતા ખેલાડીઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત ફૂટબોલનાનિષ્ણાતો રાષ્ટ્રીય કક્ષાએ મેચ રેફરી જેવી સેવાઓ માટે બોલાવાય છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિ દરમ્યાન પણ ઓન લાઇન વેબિનાર અને શૈક્ષણિક સત્રોમાં મોટી સંખ્યામાં ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓ, કોચ, રેફરી વિગેરે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ફૂટબોલ પ્રત્યેની તેમની ફરજ અને જાગરૂકતા જાળવી રાખવા કાર્યરત અને પ્રયાસરત રહે છે.

ગુજરાતમાં ફૂટબોલના એક મહત્વના પડાવ તરીકે ભારતીય ફૂટબોલ ફેડરેશન દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ની વેસ્ટ ઝોન પુરુષોની જૂનિયર નેશનલ ફૂટબોલ કપ સ્પર્ધા માટે ગુજરાત પર પસંદગી ઢોળવામાં આવી છે જેથી ગુજરાતના ફૂટબોલપ્રેમીઓ ઉત્સાહિત છે. એટલું જ નહિ, આઈ- લીગમાં ભાગ લેવા માટેની તૈયારીઓ કરવા ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ ખૂબ જ ઉત્સુક છે.

જો  કે વર્તમાન કોવિડ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની તારીખો હવે નક્કી કરવામાં આવશે અને માર્ગદર્શક રૂપરેખા તૈયાર થશે. કોવિડની સ્થિતિ બહુ ઝડપથી હળવી થઇ જતાં ગુજરાતમાં ફૂટબોલ ફરી એક વાર મેદાન પર આવશે! કોવિડ કે નહિ કોવિડ, એક વાત તો નક્કી છે કે ગુજરાતમાં ફૂટબોલ અને ફૂટબોલમાં ગુજરાત પોતાનું મજબૂત સ્થાન બનાવી રહ્યાં છે.

આલેખન: પરિમલ નથવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.