Abtak Media Google News

ફુગાવાને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્કે વધુ એક વખત વ્યાજદરોમાં કોઈ બદલાવ કર્યો નથી. દ્વિમાસિક નાણાકીય સમીક્ષામાં ભારતીય રિઝર્વ બેંકે સતત આઠમી વખત પોલિસી દરોને યથાવત રાખ્યા છે. સેન્ટ્રલ બેંકે છેલ્લે મે વર્ષ 2020માં રેપો રેટ 0.40 ટકા ઘટાડીને ચાર ટકા કર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય બેઠક 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી.

કેન્દ્રીય બેંક RBIએ આજે 8 ઓક્ટોબરના રોજ નાણાકીય નીતિઓની જાહેરાત કરી હતી. RBI MPC (મોનેટરી પોલિસી કમિટી) એ આર્થિક સુધારાને ટેકો આપવા માટે દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં 6 ઓક્ટોબરના રોજ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક શરૂ થઈ હતી અને આજે દરો યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રેપો રેટ હાલ 4 ટકા છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકાએ યથાવત છે.

બજાર વિશ્લેષકો અને નિષ્ણાતોએ પહેલેથી જ અંદાજ લગાવ્યો હતો કે કોમોડિટીની વધતી કિંમતોને જોતા RBI સતત 8મી વખત વ્યાજદરમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લઈ શકે છે જેથી ફુગાવાને નિયંત્રણમાં રાખી શકાય. આ સિવાય આરબીઆઈએ આઈએમપીએસ દ્વારા નાણાં મોકલવાની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ કરી દીધી છે. આ સાથે ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ કે, અર્થતંત્રની ઝડપી રિકવરી માટે વ્યાજદરોમાં ફેરફાર કરાયો નથી. નાણાકીય વર્ષ 2021-22માં GDP 9.5% રહેવાનો અંદાજ છે જ્યારે વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ દર 17.2% રહેશે તેવી ધારણા છે.

આ સાથે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2021-22 માટે રિટેલ ફુગાવાનો અંદાજ 5.7 ટકાથી ઘટાડીને 5.3 ટકા કર્યો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ફુગાવાનો દર અપેક્ષા કરતા વધુ અનુકૂળ રહ્યો છે. આથી 9.5%નો આર્થિક વૃદ્ધિદરનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી શકાશે. વૈશ્વિક કોરોના મહામારી છતાં, અમે આશા રાખીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થાના મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અંતર્ગત સ્થિતિસ્થાપકતા દ્વારા સંચાલિત પહેલા જેવી પરિસ્થિતી તરફ આગળ વધીએ.

જણાવી દઈએ કે જો આરબીઆઈ દરમાં વધારો કરે છે, તો સામાન્ય લોકો માટે લોન લેવી મોંઘી પડે છે કારણ કે આનાથી બેન્કો પણ લોનના દરમાં વધારો કરે છે. રેપો રેટ એટલે કે જે દરે રિઝર્વ બેંક વાણિજ્યક બેન્કોને લોન અથવા ધિરાણ આપે છે જ્યારે રિવર્સ રેપો રેટ એટલે એ દર કે જે દરે રિઝર્વ બેંક વાણિજ્યક બેન્કો પાસેથી લોન અથવા ધિરાણ લે છે. રિવર્સ રેપો રેટમાં નજીવા ઘટાડાથી રિઝર્વ બેંક વાણિજ્યિક બેંકોને જે દરે વ્યાજ રૂપે નાણાં આપે છે તેમાં ઘટાડો થશે તો સામે રેપોરેટ 4 ટકાના દરે રહેવાથી એટલે કે તેમાં ઘટાડો ન કરવાથી વાણિજ્ય બેંકો આરબીઆઈને ધિરાણ કે લોન આપવાથી વધુ ભંડોળ ચૂકવશે સામે વ્યાજ ઓછું મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.