35 વર્ષમાં પ્રથમવાર સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમે રચ્યો ઇતિહાસ

ડિસેમ્બરના કેરલ ખાતે આયોજીત ફાઇનલમાં લેશે ભાગ

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશન દ્વારા ભાવનગર શહેરમાં 35મી સંતોષ ટ્રોફી વેસ્ટ ઝોન ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં રવિવારે બે લીગની મેચ રમાઇ હતી જેમાં ગુજરાત તેમજ દાદરાનગર હવેલીની ટીમે જીત મેળવી હતી. ગુજરાતે ગોવાની ફુટબોલ ટીમને હરાવીને સૌપ્રથમવાર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવીને ઇતિહાસ રચ્યો હતો.

મહત્વનું છે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ફુટબોલ મેદાનમાં તા. ર1 થી ર8 નવેમ્બર સુધી ફુટબોલ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. બીજી લીગ મેચમાં ગોવા અને ગુજરાત ટકરાયા હતા. જે પછી ગુજરાતની ટીમનાં ખેલાડીઓ જોરદાર પ્રદર્શન સાથે 1.0નાં સ્કોરથી ગોવાની ટીમને પછાડીને જીત પોતાના નામે કરી હતી. આ સાથે જ ગુજરાતની ટીમે 3પ વર્ષે સૌપ્રથમવાર સંતોષ ટ્રોફીનાં ફાઇલમાં સ્થાન મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. જીત સાથે જ ગુજરાતની ટીમનાં ખેલાડીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

હવે આગામી ડિસેમ્બર માસનાં અંતમાં કેરલ ખાતે ફાઇનલ રાઉન્ડ રમવામાં આવશે. આ રાઉન્ડમાં પહેલીવાર ગુજરાતની ટીમ ભાગ લેશે.