Abtak Media Google News

ફિલ્ડ ફોર્સ અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે વધુ સારી રીતે કોમ્યુનિકેશન થશે: વીડિયો, વોઇસ અને પીટીટી ડેટા સાથે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી સુરક્ષા જાળવવામાં પોલીસ સમર્થ બનશે

લોકમેળામાં ફરજ બજાવતા એએસઆઇથી કોન્સ્ટેબલ સુધીના તમામના મોબાઇલ જમા લેવાશે

લોકમેળામાં ૭૮ પોલીસ અધિકારી સહિત ૧૪૫૧નો સ્ટાફ બંદોબસ્ત માટે સ્ટેન્ડ ટુ રહેશે: પ્રવેશ દ્વાર પર ડીએફએમટી મશીનથી ચેકીંગ

શહેરના રેસકોર્ષ મેદાનમાં તા.૨૨ ઓગસ્ટથી જન્માષ્ટમી નિમિતે યોજાતા મલ્હાર લોકમેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને પહોચી વળવા માટે પોલીસ દ્વારા આગોતરૂ આયોજન કરી બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. લોકમેળા દરમિયાન કોઇ અનિઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્તને પણ ડિઝીટલ બનાવવામાં આવ્યો છે. દેશમાં સૌ પ્રથમ વખત ૪-જી એલટીઇ ટેકનોલોજી સિસ્ટમથી બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળા દરમિયાન એએસઆઇથી કોન્સ્ટેબલ સુધીના સ્ટાફ બંદોબસ્તમાં પુરૂતુ ધ્યાન આપે તે માટે તમામના મોબાઇલ જમા લેવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જાળવવા માટે પોલીસ તંત્રના ૭૮ અધિકારી સહિત ૧૪૫૧ પોલીસ જવાનોને જવાબદારી સોપવામાં આવી છે. બંદોબસ્તમાં ૧૪ ઘોડેશ્ર્વાર જવાનો લોકમેળા ફરતા પેટ્રોલિંગ કરશે તેમજ બંદોબસ્તને પહોચી વળવા એસઆરપીની બે કંપની બહારથી બોલાવવામાં આવી છે. મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ-બંદોબસ્ત દ્વારા કરવામાં આવશે તેમજ બંદોબસ્તમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પુરવામાં આવશે તેમજ એએસઆઇથી કોન્સ્ટેબલ સુધીના સ્ટાફના મોબાઇલ મેળા કંટ્રોલ રૂમ ખાતે જમા લેવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં કમિશનર અગ્રવાલે જણાવ્યું છે.

મલ્હાર લોકમેળાની ઉજવણીમાં ઘણી વખત બાળકો તેમના પરિવારથી વિખુટા પડી જતા હોય છે. તેઓનો તાકીદે તેમના પરિવારનુ મિલન થાય તે માટે પ્રવેશ દ્વાર ખાતે જ બાળકના નામ, સરનામા સહિતની વગતો આવરી લેતું આઇકાર્ડ બાળકને પહેરાવવામાં આવશે. લોકમેળાના તમામ પ્રવેશ ગેટિ ઉપર ડીએફએમડી મશીનથી ચેકીંગ કરવામાં આવશે અને ગેઇટથી ૫૦ મીટરના અંતરેથી કયુમેકર લગાવવામાં આવશે. લોકમેળામાં આવનાર જાહેર જનતા પોતાની સાથે લાવેલા માલ સામાન સાથે મેળામાં પ્રવેશ કરવા ઇચ્છતા હોય તો તેઓએ ફરજીયાત પણે ગેઇટ નંબર ૧ ઉપરના માલ સામાનનું બેગેજ સ્કેનર દ્વારા ચકાસણી કરાવી પ્રવેશ મેળવી શકશે.

લોકમેળામાં ખિસ્સા કાતરૂ મોટી સંખ્યામાં આવતા હોય અને સહેલાણીઓના પાકીટ સેરવી ખિસ્સા હળવા કરતા હોય છે તેની તકેદારી માટે અલગથી પોલીસની ટીમની રચના કરવામાં આવી છે તેમજ મહિલાઓની છેડતીના બનાવ ન બને તે માટે મહિલા પોલીસની ટીમ બનાવવામાં આવી છે.

લોકમેળામાં સૌ પ્રથમ વખત ૪-જી એલટીઇ કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા બાજ નજર રાખવામાં આવશે નવી ટેકનોલોજીની મદદથી ફિલ્ડ ફોર્સ અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે વધુ સારી રીતે કોમ્યુનિકેશન થઇ શકશે, કટોકટીની પરિસ્થિતી સર્જાય તો ઝડપથી ફોર્સ ઘટના સ્થળે પહોચાડી શકાય અને સુરક્ષામાં જોડાયેલા તમામ સ્ટાફ એક સાથે એલર્ટ થઇ શકશે, આ ટેકનોલોજીની સુવિધાથી વીડિયો, વોઇસ, પીટીટી, ડેટા વગેરે સાથે ફોનનો ઉપયોગ કરી નાગરિકોને નવીનતમ વધુ સલામતી અને સુરક્ષા આપવામાં પોલીસ સમર્થ બનશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે.

૪-જી એલટીઇ સિસ્ટમ આધારીત નેટવર્ક સિસ્ટમથી હાલની જેમજ વધુ સારૂ નેટવર્ક ઉભુ કરી શહેરના અધિકારીના સંપુર્ણ ક્ષેત્રને સારી રીતે આવરી લેવામાં આવશે, હેન્ડ હેલ્ડ તથા મોબાઇલ યુનિટનો ડેટા નેટવર્ક સિસ્ટમનો ઉપયોગ કરીને વાહનો તથા પોલીસ પર્સનલની સ્થિતી જાણી શકાશે અને ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગથી વાહનો અને પોલીસ કર્મચારીઓ ચકકસ સમય અને સ્થળ જાણીને કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરીંગ કરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવનાર છે.

લોકમેળાની બહારની સાઇડના બંદોબસ્ત માટે ટ્રાફિક નિયમન સારી રીતે થઇ શકે તે માટે ૨૩ અધિકારી તથા ૮૯૯ કર્મચારી મળી કુલ ૯૨૨નો સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. તેમજ વાહનો લઇને લોકમેળામાં આવતા સહેલાણીઓ માટે બહુમાળી ભવન સામે, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક વચ્ચે, બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધી રોડ પર ચાણકય બિલ્ડીંગ સર્કલથી શ્રોફ રોડ તરફ, કિશાનપરા ચોક પાસે એજી ઓફિસની દિવાલ પાસે, સાઇકલ શેરીંગવાળા ગ્રાઉન્ડમાં, આયકર વાટિસા સામે ખુલ્લી જગ્યામાં, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં અને આકાશવાણી રોડથી સર્કીટ હાઉસ માર્ગ પર ફ્રી પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જ્યારે રેસકોર્ષ રીંગ રોડ ફરતે વાહનો માટે નો પાર્કીગનું તેમજ ભારે વાહનો માટે પ્રવેશ બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. સાથો સાથ રેસકોર્ષ રીંગ રોડ ફરતે લારી ગલ્લા અને પાથણા રાખવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ફુટપાર્થ રાહદારીઓ માટે ખુલ્લી રાખવામાં આવશે સવારે નવ કલાકથી લોકમેળો પુરો થાય ત્યાં સુધી રેસકોર્ષ રીંગ રોડ પર વાહન દસ કી.મી.થી ઓછી સ્પીડે ચલાવવાનું જણાવ્યું છે.

ચાણક્ય બિલ્ડીંગથી ફુલછાબ ચોક અને ત્યાંથી ભીલવાસ ચોક સુધીના વિસ્તારમાં તમામ વાહનો માટે નોપાર્કીગ જાહેર કરવામાં આવે છે. રેસકોર્ષ રીંગ રોડ એક સાઇડ રાહદારીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે ત્યાં વાહન ચલાવવા પર મનાઇ ફરમાવી છે. પત્રકાર પરિષદમાં ડીસીપી રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા, ટ્રાફિક બ્રાન્ચના એસીપી ભરતસિંહ ચાવડા અને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

લોકમેળામાં પોલીસ બેન્ડની સુરાવલી રંગ જમાવશે

મલ્હાર લોકમેળામાં પોલીસને બે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. પોલીસના બંને સ્ટોલમાં પોલીસના અતિ આધૂનિક હથિયારના જાહેર પ્રદર્શન અને બીજા સ્ટોલમાં બેન્ડથી સહેલાણીઓની રંગ જમાવશે તેમ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યુ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.