ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી જંગમાં બાપ-દીકરો આમને સામને!

આતો છોટુ વસાવા છે!!!

ઝઘડિયા બેઠક ઉપર પુત્રએ બીટીપીમાંથી ટિકિટ ન આપી પોતે જ ઉમેદવાર બની જતા છોટુ વસાવાએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી

ગુજરાતના રાજકારણમાં છોટુભાઈ વસાવા ખૂબ ચર્ચિત નામ છે. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો છે. જેમાં તેઓ અને તેમના પુત્ર વચ્ચેના વિવાદના કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ એમના પિતા સામે જ મોરચો માંડ્યો છે.  બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. ત્યારે હવે છોટુ વસાવાની જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

છોટુ વસાવા ઝઘડિયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છોટુ વસાવાએ અપક્ષ લડવાની જાહેરાત કરી હતી. તેમણે 152 ઝગડીયા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે.

ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો મા્ડ્યો છે. તેમણે આખી પાર્ટી હાઈજેક કરી લીધી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. વસાવા પરિવારમાં ટિકિટને લઈને કકળાટ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઝઘડિયાના સિટિંગ ધારાસભ્ય છોટુ વસાવાએ આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવાની હતી, પરંતુ તેમના મોટા દીકરા મહેશ વસાવા કે જેઓ હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય છે. તેમણે પિતાની સીટ પરથી પોતાનું નામ જાહેર કરી દીધું છે. રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વર્ષ 2017ની ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠક પરથી મહેશ વાસવાનો 21,751 મતોથી વિજય થયો હોવા છતાં તેઓ હવે આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા નથી. આ વખતે મહેશ વસાવા ડેડિયાપાડાને બદલે સેફ સીટ ઝઘડિયાથી ચૂંટણી લડવા માંગે છે.

તેઓ ડેડિયાપાડાથી ચૂંટણી લડવાના મૂડમાં નથી. તેનું કારણ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા. થોડા મહિનાઓ અગાઉ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટ્યા બાદ  મહેશ વસાસાના એક સમયના ખાસ સાથીદાર માનવામાં આવતા ચૈતર વસાવા  બિટીપીને રામ રામ કહી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આથી  ડેડિયાપાડામાં બિટીપીના બે ભાગલા પડી ગયા છે. જેથી તેઓ આ વખતે સેફ સીટ ઝઘડિયા સીટ પરથી ચૂંટણી લડવાના છે.