ગુજરાત હોકીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ હરિફાઇમાં 24 જિલ્લાની અન્ડર 19માં બહેનોની ટીમોએ ભાગ લીધો

સોમનાથ જિલ્લામાં રાજયકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન

 

અબતક, અતુલ કોટેચા

વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક  અને સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મહાદેવવી સાનિધ્યમાં પ્રથમ વાર રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય હોકી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ડોડીયાની પ્રેરક ઉપસ્થિતીમાં બહેનો માટેની હોકી સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો.

રાજયભરના અન્ડર-19 હોકી સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ

રાજ્યભરમાંથી અંડર-19ની 30 જેટલી ભાઈઓની હોકી ટીમ અને 24 બહેનોની હોકી ટીમ ગીર વેરાવળ-સોમનાથના આંગણે રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લેવા પહોંચી છે. આ તમામ ખેલાડીઓના સપોર્ટ સ્ટાફ અને શિક્ષકોને રહેવાની-જમવા સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. આ સ્પર્ધામાં 900 જેટલા ખેલાડીઓ અને 100 થી વધુનો સપોર્ટ સ્ટાફ ગીર સોમનાથ જીલ્લાવી મહેમાન બન્યા છે.

આ તકે જિલ્લા રમત ગમત અધિકારી  વિશાલ જોશીએ જણાવ્યું કે,  રાજ્ય સરકાર નવ રચિત જિલ્લાઓમાં નેશનલ ગેમ્સને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વાર રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ભાઈઓની કેટેગરીમાં 30 જેટલી અન્ડર-19  ટીમ જોડાઈ છે. જેમાં 500 જેટલા રમતવીરોનો સમાવેશ થાય છે. સાથે જ ગુજરાત હોકીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ હરીફાઈમાં 24 જેટલા જિલ્લાની અંડર-19માં બહેનોની ટીમોએ ભાગ લીધો છે. જેમાં 400 જેટલી બહેનોનો સમાવેશ થાય છે. હોકી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કોચ શ્રી ભાલીયા, જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ શ્રી વરજંગભાઈ વાળા, ઉપપ્રમુખ અરજણ ભાઈ પરમાર, સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.