ઉડતા ગુજરાત!!: રાજ્યમાં પ્રથમવાર વાપીમાંથી ડ્રગ્સ બનાવતા યુનિટનો પર્દાફાશ!!

૪.૫ કિલો એમડી ડ્રગ અને ૮૫ લાખની રોકડ રકમ સાથે ૨ને દબોચી લેવાયાં

સ્થાનિક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)એ વલસાડ જિલ્લાના વાપીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનવતી એકમ પર દરોડા પાડીને ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એનસીબીએ આ દરોડા દરમિયાન બે લોકોને ૮૫ લાખ રોકડા સાથે ઝડપી પાડ્યાં છે. જેમાંથી એક આરોપી કેમિસ્ટ છે. એક અધિકારીએ બુધવારે આની માહિતી આપી હતી.

અમદાવાદ એનસીબીના જણાવ્યા મુજબ, વાપીમાં જે એકમમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું તેના આખા ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું. એક અધિકારના જણાવ્યા મુજબ, એનસીબી દ્વારા છેલ્લાં કેટલાય દિવસોથી આના પર વોચ રાખવામાં આવી રહી હતી. બાદમાં મંગળવારે દરોડા પાડવામાં આવ્યા, ૨૦ કલાક સુધીચાલ્યા હતા.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, એનસીબીએ આ દરોડામાં બંને આરોપીઓને વાપીના રહેણાંક વિસ્તારમાં નશીલો પદાર્થ વેચતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઉપરાંત ૪.૫ કિલોનું મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ અને ૮૫ લાખ રોકડા પણ જપ્ત કર્યા હતા.

આરોપી પ્રકાશ પટેલ કે જે વલસાડમાં કેમિસ્ટ છે. તે આ યૂનિટમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે બીજો આરોપી સોનુ રામનિવાસ કે જે હરિયાણાનો વતની છે. તે આ ડ્રગ્સને સપ્લાય કરવાનું કામ કરતો હતો.

એનસીબીના જણાવ્યા મુજબ, આ કેસ ગંભીર કહેવાય. કારણ કે ગુજરાતમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતું યૂનિટ ઝડપાયુ હોય એવો આ પહેલો કેસ કહી શકાય. સાથે જ લાખો રૂપિયા રોકડા અને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પણ છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.