Abtak Media Google News

ઘૂસણખોરી કરનારા આતંકીને ગોળી વાગતા થયો હતો ઇજાગ્રસ્ત, હાર્ટ એટેકથી મોત થયું

બે દાયકાથી વધુ સમયમાં પ્રથમ વખત, પાકિસ્તાને સોમવારે લશ્કર-એ-તૈયબાના એક પ્રશિક્ષિત આતંકવાદીનો મૃતદેહ સ્વીકાર્યો, જેણે સેનાની ચોકી પર હુમલો કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)ના કોટલીના સબજાકોટ ગામના રહેવાસી તબાકર હુસૈન (ઉ.વ.32), રાજૌરી જિલ્લાની આર્મી હોસ્પિટલમાં બે દિવસ પહેલા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે ગયા મહિને સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ગોળી વાગ્યા બાદ ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી અને સેનાના જવાનોએ તેનો જીવ બચાવવા માટે રક્તદાન કર્યું હતું.

ભારતીય સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ચકન-દા-બાગ બોર્ડર ક્રોસિંગ પોઈન્ટ પર પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં હુસૈનનો મૃતદેહ પાકિસ્તાનને સોંપ્યો હતો. સેનાના એક અધિકારીએ ઉમેર્યું છે કે, છેલ્લા બે દાયકામાં આ કદાચ પહેલી ઘટના છે જેમાં પાકિસ્તાને આતંકવાદીનો મૃતદેહ સ્વીકાર્યો હોય. અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન હંમેશા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ ઓમાં સામેલ પોતાના નાગરિકોના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતું આવ્યું છે. લશ્કર-એ-તૈયબાના પ્રશિક્ષિત માર્ગદર્શક અને પાકિસ્તાની સેનાના એજન્ટ હુસૈને 21 ઓગસ્ટના રોજ રાજૌરીના નૌશેરા વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તે ભારતીય સૈનિકો દ્વારા ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેને મિલિટરી હોસ્પિટલ રાજૌરીમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.

સૈનિકોએ તેમનો જીવ બચાવવા માટે ત્રણ યુનિટ રક્તનું દાન પણ કર્યું હતું.  જોકે, 3 સપ્ટેમ્બરે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.  અધિકારીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીના પોસ્ટમોર્ટમ સહિત અન્ય તમામ ઔપચારિકતાઓ રવિવારે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાકિસ્તાની સેનાનો મૃતદેહ પરત કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. 24 ઓગસ્ટના રોજ, આર્મીની 80 ઇન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર કપિલ રાણાએ જણાવ્યું હતું કે હુસૈને અન્ય બે લોકો સાથે ભારતીય સેનાની ચોકી પર હુમલો કરવાના તેમના કાવતરાની કબૂલાત કરી હતી.

જો કે, નૌશેરા વિસ્તારમાં એલઓસી પર રોકાયા બાદ તેઓ પરત ફર્યા હતા. બ્રિગેડિયરે કહ્યું હતું કે, વધુ પૂછપરછમાં, આતંકવાદીએ ભારતીય સૈન્ય ચોકી પર હુમલો કરવાનું કાવતરું કબૂલ્યું હતું. હુસૈને ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના કર્નલ યુનુસ ચૌધરીએ તેને મોકલીને 30,000 રૂપિયા (પાકિસ્તાની ચલણ) આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.