Abtak Media Google News

હિજાબ પાછળ લપાયેલ સ્ત્રી સશક્તિકરણ

ફૂટબોલ ટૂર્નામેન્ટ જોવા જવાના ગુનામાં ક્યારે ય તમારી ધરપકડ થઈ છે? ફૂટબોલની રમતના ફેન હોવું એટલે જાનની બાજી લગાવવી, એવું મહેસૂસ કર્યુ છે? સહર ખોડયારી નામની ઇરાનિયન સ્ત્રીએ પોતાના શરીરે આંગ ચાંપી દેવી પડી, કારણકે તેણે મર્દના વેશે ફૂટબોલ ટૂર્નામેન્ટ જોવા જવાની હિંમત કરી હતી. હિજાબ (બુરખા) વગર કોઈ સ્ત્રી બહાર નીકળે એટલે સીધી એની ધરપકડ કરવાનો ઇરાનમાં ભદ્દો કાયદો છે, જેનાથી ડરીને આત્મવિલોપન કરી ચૂકેલી સહરે 9 સપ્ટેમ્બર, 2019ના દિવસે આખરી શ્વાસ લીધાં!

બ્લ્યૂ ગર્લનાં નામે લોકોએ આજે સહર ખોડયારીને પોતાના હ્રદયમાં સાચવી રાખી છે. સપ્ટેમ્બરમાં બનેલી એક એવી ઘટના, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું. 29 વર્ષની ખૂબસુરત ઇરાનિયન સ્ત્રી ફૂટબોલની રમત લાઇવ નિહાળવાનો પોતાનો શોખ પૂરો કરવા માટે ઇરાનનાં આઝાદી સ્ટેડિયમમાં મર્દની વેશભૂષામાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હિજાબ (બુરખો) ન પહેરવાના જુર્મ હેઠળ એની ધરપકડ કરી લેવામાં આવે છે.

ઇરાન સહિતના મોટાભાગના ઇસ્લામિક દેશોના કાયદાઓ સ્ત્રીઓ માટે નર્ક સમાન પૂરવાર થયા છે, જેનો આ એક દાખલો! ઇરાનિયન પોલીસના હાથે પકડાયા એટલે દાયકાઓ સુધી કારાગારમાં સડવું પડે એવું ત્યાંની દરેક સ્ત્રી માને! સહરને પોતાનું જીવન આ રીતે નહોતું જીવવું, એટલે સ્ટેડિયમની બહાર જ તેણે પોતાના આખા શરીરે દેવતા ચાંપી દીધો! બળીને ખાખ થવા આવી, ત્યારે તેને હોસ્પિટલમાં ખસેડાઈ અને 9 સપ્ટેમ્બરે તેણે દેહત્યાગ કર્યો. આ ઘટનાની જાણ જ્યારે વિશ્વભરના લોકોને થઈ, ત્યારે તેઓ અચંબામાં પડી ગયા. કોઈ દેશની સરકાર આખરે ફૂટબોલ જોવા પર પ્રતિબંધ કેવી રીતે ફરમાવી શકે?

આવા તુચ્છ અને નિર્દયી કાયદા ઘડવા પાછળના કારણો શું? ઇરાન ઉપર લગભગ આખી દુનિયાએ ફિટકાર વરસાવ્યો. ઇસ્લામિક દેશોની સ્ત્રી વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયત્ન કરો, ત્યારે તમને સમજાય સાહેબ કે આ બધી યાતનાઓ તો તેઓ રોજ સહન કરે છે. તેમનું આયખું પોતાના અસ્તિત્વને શોધવામાં જ ખર્ચ થઈ જાય છે. ગુલામીની સાંકળો એમના પગે એટલી નિર્મમતાથી બાંધી દેવામાં આવી છે કે ઇચ્છતાં હોવા છતાં હજુ એમાં અસરકારક પરિવર્તનો જોવા નથી મળ્યા.

છેલ્લાં 14-15 વર્ષથી ઇરાનમાં ઓપન સ્ટેડિયમ નામે એક ચળવળ ચાલી રહી છે, જે સ્ત્રીઓને રમતગમતનાં મેદાનમાં પ્રવેશની છૂટ આપવા અંગેના અધિકાર વિશે છે. 2005ની સાલના ઇરાન અને બહેરિન વચ્ચેના ફૂટબોલ વર્લ્ડ-કપ મેચ દરમિયાન ફૂટબોલની શોખીન સ્ત્રીઓએ આઝાદી સ્ટેડિયમની બહાર દેખાવો યોજ્યા હતાં. ત્યારથી જ ઇરાનના જાહેર સ્થળો પર સ્ત્રીઓને પુરૂષોની જેમ જ છૂટથી હરવા-ફરવાની સ્વતંત્રતા આપવામાં આવે એ અંગેના પ્રયાસો થઈ રહ્યા છે.

થોડા સમય પહેલા હું દુબઈ પ્રવાસ પર હતો અને ત્યાં જે નજારો જોવા મળ્યો એ પણ આઘાતજનક હતો. અબુધાબી અને શારજાહમાં હજુ પણ સ્ત્રીઓ પોતે ઇચ્છે એ પ્રકારના વસ્ત્રો પહેરીને ખુલ્લેઆમ ફરી નથી શકતી. આ બધી મર્યાદાઓ મકબરા-મસ્જિદ સુધી રહે એ વાજબી વાત છે, પરંતુ શહેરના અન્ય ભાગોમાં તેની શું જરૂર? દુનિયાનો કહેવાતો સૌથી આધુનિક દેશ, જ્યાં દર વર્ષે લાખો-કરોડો પ્રવાસીઓ જાહોજલાલી માણવા માટે આવે છે, ત્યાં આવા 18મી સદીના પ્રતિબંધો ખરેખર પછાત માનસિકતાનું પ્રદર્શન કરે છે.

ઇરાન કરતાં સાઉદી અરેબિયા હજુ ય થોડુંક પ્રોગ્રેસિવ વિચારધારાનું છે, એમ કહી શકાય. જૂન, 2017માં ક્રાઉન પ્રિન્સ બનેલા મોહમ્મદ બિન સલમાને સત્તામાં આવતાંની સાથે જ દેશવ્યાપી ફેરફારો કરવાની શરૂઆત કરી છે. ગયા વર્ષે એટલે કે 2018માં તેમણે સ્ત્રીઓને કાર-ડ્રાઇવિંગ કરવા માટેની છૂટ આપી દીધી છે. સાઉદી સ્ત્રી હવે પોતાની મનમરજીથી દેશના કોઈ પણ ખૂણે કાર લઈને જઈ શકે છે, અને તેના માટે મેલ ગાર્ડિયનની જરૂર રહેતી નથી.

સાઉદી અરેબિયાના કાયદાઓ સાંભળીને (વાંચીને!) તો કદાચ તમે દંગ રહી જશો! દાયકાઓ સુધી સાઉદી અરેબિયામાં સ્ત્રીઓ પોતાના પુરૂષ વાલી (પિતા, પતિ, પુત્ર, ભાઈ કે પુરૂષ સગા)ની મંજૂરી વગર કોઈ કામ કરી શકતી નહીં. ઘરની બહાર નીકળવું હોય, લગ્ન કરવા હોય, ડિવોર્સ લેવા હોય કે પછી સ્કૂલ-કોલેજમાં ભણવા માટે જવું હોય જીવનના દરેક પડાવ પર એમને પુરૂષોની મંજૂરીની આવશ્યકતા પડતી હતી. ઘણી વખત આવા કાયદાને લીધે સ્ત્રીઓ ઘરેલું હિંસા અને બળાત્કારનો ભોગ બનતી હતી.

તેમણે જેને પોતાના માન્યા હોય, એવા જ વાસનાંધ પુરૂષો ઘણી વખત મંજૂરી આપવાના બહાને ઘરની સ્ત્રીઓ સાથે છેડછાડ કરે, એવી ઘટનાઓ છાશવારે બન્યા રાખતી. વળી, પુરૂષોની પરવાનગી વગર ત્યાં પોલીસ ફરિયાદ પણ શક્ય નહોતી, એટલે આવા દુષ્ટો સામે કાર્યવાહી પણ શું થઈ શકવાની? પચાસેક દાયકા પહેલા જન્મેલી સાઉદી અરેબિયાની સ્ત્રીઓએ જે જિંદગી જોઈ છે, એ નર્કાગારથી કમ નથી! ઘણી વખત તો એવું પણ બનતું કે પરિવારમાં કોઈ પુરૂષ સદસ્યની હાજરી ન હોય તો સ્ત્રીઓ ઇચ્છા હોવા છતાં દેશ છોડીને બીજે ઠરીઠામ ન થઈ શકે! કેટલાક કિસ્સાઓ એવા પણ છે, જેમાં જનેતાએ પોતાના પુત્રની પરવાનગી લેવી પડી હોય! જીવનની આ તે કેવી કરૂણતા!

અલબત્ત, થોડા સમય પહેલા સાઉદી અરેબિયામાં આ કાયદો આંશિક રીતે નાબૂદ થયો છે. સ્ત્રીઓને ઘરનાં પુરૂષ સભ્યની પરવાનગી વગર લગ્ન, તલાક અને સંતાનના જન્મની નોંધણી કરવા માટેની છૂટછાટ આપી દેવામાં આવી છે. તદુપરાંત, એમને પોતાના પાસપોર્ટ કઢાવવા તેમજ વિદેશ-મુસાફરી કરવા માટે બીજા પર નભવું નહીં પડે! આમ છતાં ઘણી છટકબારીઓ જોવા મળી છે. જેમકે, સ્ત્રીઓ પુરૂષ-પરવાનગી વગર લગ્ન નહીં કરી શકે. પાસપોર્ટ કઢાવતી વખતે પણ એમાં અમુક અંશે પુરૂષો દખલગીરી કરી શકે છે! ઘરેલું હિંસાની વાત કરીએ તો, હજુ પણ કાયદો એમ કહે છે કે પોલીસ ફરિયાદ ફાઇલ કરાવતાં પહેલા ઘરના પુરૂષ સભ્યની મંજૂરી લેવી જરૂરી છે, પરંતુ જો એ સભ્ય જ સ્ત્રી પર કરવામાં આવતાં અત્યાચારનું કારણ બન્યો હોય, તો એવા સંજોગોમાં શું કરવું એ વિશેની ત્યાં કોઈ જોગવાઈ નથી! ઘણા બધા આંદોલનકારોનું માનવું છે કે ઇસ્લામિક દેશો પોતપોતાનો સગવડિયો ધર્મ અપનાવી રહ્યા છે. સ્ત્રીને છૂટછાટ આપવાનો તેઓ ફક્ત ડોળ કરી જાણે છે. વાસ્તવિકતા એ છે કે દાયકાઓથી અમુક રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતાં એ દેશોનાં લોકો સ્ત્રીની બાગડોર પોતાના હાથમાં જ રાખવા માંગે છે.

બાય ધ વે, ઇસ્લામિક દેશોમાં હિજાબ ન પહેરનારી સ્ત્રીને નગ્નતાના ત્રાજવે તોલવામાં આવે છે. સરકાર માટે બુરખો પહેર્યા વગરની સ્ત્રી એટલે લાજ-શરમ વગરની નગ્ન સ્ત્રી! થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક સ્ત્રીને બુરખો ન પહેરવાના ગુના હેઠળ ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહી છે. જોવાની વાત એ છે કે આધેડ વયની એ મહિલાએ આખું શરીર ઢંકાય એ પ્રકારના કપડાં પહેર્યા છે, પરંતુ હિજાબ ન પહેરવાને લીધે તેના પર સિતમ વરસાવવામાં આવી રહ્યો છે. મહિલા પોલીસ તેની સાથે મનફાવે એવી ભાષામાં વાત કરી રહી છે. પેલી સ્ત્રી કરગરીને પોતાની ભૂલની માફી માંગે છે, પરંતુ રોષે ભરાયેલ તુંડમિજાજી પોલીસ એ સ્ત્રીને મારી-મારીને પોતાની સાથે લઈ જાય છે. દયા આવે સાહેબ, આવી ક્રુર માનસિકતા ધરાવતી સરકારોની!

સ્ત્રીના અસ્તિત્વને ઘરના રસોડા અને બેડરૂમના પલંગ સુધી સીમિત રાખવા માંગતા આવા લોકોને હવે આજની નવી પેઢી સાખી શકે એમ નથી. કોઈ પણ બિલ્ડિંગ્સ, ઓફિસ, કોલેજ-યુનિવર્સિટી કે બેંકમાં રાખવામાં સ્ત્રી-પુરૂષ માટેના બે જુદા જુદા પ્રવેશદ્વાર હવે આજની જનરેશનને તકલીફ પહોંચાડવા લાગ્યા છે. સ્ત્રી-પુરૂષ જાહેરમાં એકબીજા સાથે ખૂલીને વાત પણ ન કરી શકે એ પ્રકારની વિચારસરણી હવે તેઓ બદલવા માંગે છે. હદ્દ તો ત્યારે થઈ સાહેબ, જ્યારે મેં એ જાણ્યું કે સાઉદી અરેબિયાના શોપિંગ-મોલમાં સ્ત્રીઓ માટે કોઈ ટ્રાયલ-રૂમ નથી રાખવામાં આવતાં! (કદાચ બંધ બારણે કપડાં બદલતી સ્ત્રી પણ ત્યાંના કહેવાતાં સુશીલ પુરૂષોનું મન વિચલિત કરી શકવાની ક્ષમતા ધરાવતી હશે?)

મનને શાતા અને હ્રદયને ટાઢક અપાવે એવી વાત એ છે કે, સ્ત્રીઓ પોત-પોતાના સંગઠનો બનાવીને સરકારના આવા જાલિમ સ્ત્રી-વિરોધી કાયદાઓ સામે બળવો પોકારી રહી છે. સૌથી મોટો મુદ્દો છે, હિજાબ! તેમની માંગ છે કે અમને હિજાબમાંથી મુક્તિ જોઈએ છે. અમે અમારી મરજીથી બુરખો પહેરવા માંગીએ એ અલગ વાત છે અને બળપૂર્વક એનો આગ્રહ કરવામાં આવે એ અલગ! અમને ઉપભોગ માટેની તુચ્છ ચીજ ગણવાને બદલે માનવતાસભર અધિકારો આપવામાં આવે. ધર્મના નામે લગાવવામાં આવેલી બંદિશો હટશે નહીં ત્યાં સુધી આ જ રીતે વારેઘડિયે સહર ખોડયારી જેવી સ્ત્રીઓ પોતાની જાનનું બલિદાન આપતી રહેશે.

દુબઈ, શારજાહ, ઓમાન કે મસ્કતને તમે ભલે વિકસિત માનતાં હો, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરશો ત્યારે સમજાશે કે એમની પાસે બોલવાની પણ આઝાદી નથી. અખબારી સ્વાતંત્ર્યને નામે મોટું મીંડુ છે! ખલીજ ટાઇમ્સથી માંડીને અન્ય નાના-મોટાં અખબારો ત્યાંના રાજાની માલિકીના છે! પોતાના દેશમાં ઉઠતાં અવાજને દબાવી દેવામાં તેઓ અત્યંત ચબરાક છે. દેશ-દુનિયાની સામે તેઓ પોતાની એવી જ છબી તેઓ ઉજાગર કરશે, જે એમના ટૂરિઝમને વેગ અપાવી શકે. ધેટ્સ ઇટ! બાકી માંહ્યલા ગુણ તો મહાદેવ જ જાણે!

વાઇરલ કરી દો ને

જો ચેહરો ઢાંકવાથી આબરૂ બચતી હોય તો ચાલો આખા વિશ્વના લોકો મોં ઢાંકી ને ચાલીયે

કલમગીરી

મેં આઝાદ હું,
સુરજ ગયા હૈ મેરે કમરે મેં,
અંધેરા મેરે પલંગકે નીચે છીપતે-છીપતે પકડા ગયા હૈ.
ધક્કે લગા કર બહાર કર દિયા હૈ ઉસે,
ધૂપ સે તાર-તાર હો ગયા હૈ વહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.