માવઠું: મે મહિનો અડધો વીતી ગયો હોવા છતાં, રાજ્યમાં હવામાનનો અસામાન્ય મિજાજ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગે હજી આજે અને આવતીકાલે પણ રાજ્યના જુદા જુદા ભાગોમાં માવઠાની આગાહી કરી છે, જ્યારે આગામી સાત દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થતાં ફરી આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત, આગામી ત્રણ કલાક માટેની તાત્કાલિક આગાહી મુજબ, આણંદ, ભાવનગર અને ખેડા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવું વાવાઝોડું અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, સાથે વીજળી પડવાની પણ શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે.
કમોસમી વરસાદના આ દોર વચ્ચે, હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની મહત્વની આગાહી કરી છે. આ ફેરફારને કારણે મે મહિનાના બીજા પખવાડીયામાં રાજ્યના નાગરિકોએ ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. આમ, હાલ વરસાદી માહોલ બાદ ફરી ગરમીનો પારો ઉંચકાવાની સંભાવના છે.