Abtak Media Google News

દર વર્ષે વિદેશીઓ બાજી મારીને માતબાર રકમનાં રોકડ પુરસ્કારો લઈ જતા તે પરંપરા હવે બંધ, મેરેથોનમાં ભારતીયો જ બનશે ઈનામને પાત્ર

મહાપાલિકા દ્વારા યોજાતી મેરેથોન આ વર્ષે રોટરી મીડટાઉન દ્વારા યોજાશે: દોડવીરો માટે રૂ.૧૦ લાખનાં ઈનામો, ૨૯મીએ યોજાનાર મેરેથોન માટે દોડવીરોમાં બમણો ઉત્સાહ

રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષે આયોજિત થતી મેરેથોનનું આયોજન આ વર્ષે રોટરી ક્લબ ઓફ મીડટાઉન દ્વારા ૨૯ ડિસેમ્બરે સવન રાજકોટ મેરેથોનના નામથી કરવામાં આવ્યું છે. આ આયોજનની ખાસ વાત એ છે કે મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોમાં જે દોડવીર ભારતીય હશે તે જ ઈનામને પાત્ર ગણાશે. આ પ્રકારનો ઉમદા નિર્ણય લઈ રોટરી ક્લબ ઓફ મીડટાઉને ભારતીયને સમપિર્ત હોવાના સૂત્રને સાથર્ક કરી બતાવ્યું છે. આ વખતની મેરેથોનમાં દોડવીરો માટે ૧૦ લાખ રૂપિયાના ઈનામ રાખવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે દરેક કેટેગરી માં પુરુષો  અને સ્ત્રીઓ ને અલગ અલગ ઉમર ની કેટેગરીમાં (જેમાં ૧૪ વર્ષ થી લઇ ને સિનિયર સિટીઝનો) માટે ૭૮ પ્રથમ દ્રિતીય અને ત્રિતય ઇનામો આપવામાં આવશે આ વખતે જે લોકો રાજકોટીયનો ને પણ ઇનામો આપવામાં આવશે. દર વર્ષે આયોજિત થતી મેરેથોનમાં વિદેશી ખેલાડીઓ બાજી મારી જતાં હોય ભારતીયો માટે નિરાશા વ્યાપી જવા પામતી હતી જે સિલસિલાને રોટરી ક્લબે ખતમ કરી આવકારદાયક નિર્ણય લીધો છે. આ મેરેથોનમાં જે વિદેશી ખેલાડી ભાગ લેશે તેમને ભાગ લેવા દેવામાં આવશે પરંતુ ઈનામ એનાયત કરવામાં નહી આવે.

ભારતનો દરેક વ્યક્તિ સ્વસ્થ રહે તેવા ઉમદા આશયથી આયોજિત થનારી સવન રાજકોટ મેરેથોનમાં ભાગ લેવા માટે દોડવીરોનું બહોળા પ્રમાણમાં રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. સવન ઉપરાંત રોલેક્સ અને કેઆઈએ શિવમના સહયોગથી રોટરી ક્લબ ઓફ મીડટાઉન-રાજકોટ દ્વારા યાદગાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેરેથોનમાં રાજકોટના તેમજ ભારતના જ સ્ટાર દોડવીરો પ્રોત્સાહિત થાય તેવો નિર્ણય લેવાયો છે. આયોજકો દ્વારા અન્ય દેશોમાંથી આવતાં દોડવીરો માટે કોઈ જ ઈનામો રાખ્યા નથી. મેરેથોનમાં વિવિધ કેટેગરી હેઠળ ૧૦ લાખ રૂપિયાના ઈનામો રાખવામાં આવ્યા છે જે ઈનામો ભારતીય પાત્રતા ધરાવતાં હશે તેમને જ એનાયત કરવામાં આવશે.

આયોજકોએ લોકોને એક નમ્ર અપીલ કરતાં કહ્યું કે તેમના કુટુંબીજનો, મિત્ર વતુર્ળમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લ્યે તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનો મુખ્ય હેતુ લોકોમાં દોડ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આયોજકોએ દેશના તમામ દોડવીરોને રાજકોટમાં યોજાનારી આ મેરેથોનમાં ભાગ લેવા આમંત્રીત કર્યા છે. રજિસ્ટ્રેશન કરાવનાર દરેક સ્પર્ધક માટે ૫ કિલોમીટરની દોડના રૂા.૨૦૦, ૧૦ કિ.મી.ના રૂા.૪૯૦ અને હાફ મેરેથોનની રૂા.૮૦૦ ફી રાખવામાં આવી છે.  મેરેથોનમાં રજિસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ ૭ ડિસેમ્બર રાખવામાં આવી છે.

મેરેથોન ઉપરાંત રોટરી ક્લબ દ્વારા ૧૫ ડિસેમ્બરે સાઈકલોફનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૫ કિમિ ના રૂ. ૨૫૦ અને ૫૦ કિમિ ના રૂ. ૪૦૦ રાખવામાં આવેલ છે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર રાખવામાં આવી છે.

આ આયોજનના ટાઈટલ સ્પોન્સર તરીકે સવન બિલ્ડર્સનો સહયોગ સાંપડી રહ્યો છે તો કો-સ્પોન્સર તરીકે રોલેક્સ બેરિંગ્સનો સિંહફાળો મળી રહ્યો છે. બન્ને આયોજન માટે મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર, શહેર પોલીસ, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સહિતના સહયોગ આપી રહ્યા છે.

આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન દિવ્યેશ અઘેરા, ક્લબ પ્રેસિડેન્ટ જિજ્ઞેશ અમૃતિયા,  કો-ચેરમેન દીપક મહેતા, સેક્રેટરી વિશાલ અંબાસણા  સાયકલોફન ને સફળ બનાવવા પ્રતીક સોનેજી, ભાવિન ડેદકીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટના આંગણે યાદગાર મેરેથોન યોજાઈ રહી ત્યારે રાજકોટવાસીઓને રાજી કરવામાં ન આવે તેવું બની શકે ? આ વાતને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ દ્વારા રાજકોટના દોડવીરો માટે પણ અલગથી ઈનામ રાખવામાં આવ્યા છે. મેલ અને ફિમેલ કેટેગરીમાં ૧૮થી ૩૫, ૩૫થી ૪૫, ૪૫થી ૬૦ અને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનમાં પ્રથમ ત્રણ ક્રમે આવનારા દોડવીરોને ઈનામ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.