- બેંકના ક્રેડિટ કાર્ડ સંબંધિત કામ માટે આવતા અરજદારોના મોબાઈલ મેળવી બેલડી નાણાં ટ્રાન્સફર કરી લેતી’તી
જેતપુરની બેંકમાં ક્રેડિટ કાર્ડનું કામ સંભાળતા કર્મચારીએ અગાઉ દસ લોકો સાથે આર્થિક છેતરપિંડી આચરી લીધાનું સામે આવ્યા બાદ જેતપુર સીટી પોલીસની ટીમે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે. જે બાદ આરોપીએ અન્ય એક શખ્સનું નામ આપતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા, ઇસ્યુ સોલ્વ કરવા, બંધ કરવા સહિતના બહાને અરજદારોના મોબાઈલ ફોન મેળવી પ્રદીપ વાળા નામના શખ્સે રૂ. 3.65 લાખના નાણાં પડાવી લીધાનું જેતપુર સીટી પોલીસના ચોપડે નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદીપ વાળાએ અસંખ્ય લોકો સાથે ઠગાઈ આચરી લીધાની કબૂલાત આપી છે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ચંદ્રિકાબેન નટવરલાલ ભગવાનજીભાઈ માલવીયા (ઉ.વ.52 રહે. કેનાલ કાંઠે, રૈયારાજ-2, તા.જેતપુર જી.રાજકોટ)એ જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું કણકીયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રીક નામની દુકાન ચલાવી મારૂ તથા મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ. મારે સંતાનમાં એક દિકરો તથા બે દિકરી છે. વધુમાં આધેડ મહિલાએ જણાવ્યું હતું કે, મારૂ તથા મારા પતિ નટવરલાલનું આશરે છેલ્લા પંદરેક વર્ષથી બેન્ક ઓફ બરોડા જેતપુર શાખામાં જોઇટ સેવિંગ બેન્ક એકાઉન્ટ છે. મારી પાસે ઘણા સમયથી બેંક ઓફ બરોડાનુ ક્રેડીટ કાર્ડ છે પણ અમે તેનો ઉપયોગ કરતા નથી.
આજથી ચારેક મહિના પહેલા બેંક ગયેલ હતા જ્યાં ક્રેડીટ કાર્ડનુ કામ કરતા પ્રદીપભાઈ ભીખુભાઈ વાળા(રહે.જુનાગઢ)ને મળેલ અને ક્રેડીટ કાર્ડ બંધ કરવાની વાત કરેલ હતી. ત્યારે પ્રદિપએ મારી પાસે મારો મોબાઇલ ફોન માંગેલ હતો, જેથી મે મારો મોબાઈલ આપ્યો હતો. મોબાઇલમાં પ્રોસેસ કરી થોડીવાર પછી મને વાત કરેલ કે, તમારૂ ક્રેડીટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે અને મને મારો મોબાઇલ ફોન પરત આપી દિધેલ હતો બાદમાં તેઓ બેંકથી પરત આવી ગયાં હતા. થોડો સમય વીતી ગયાં બાદ ક્રેડિટ કાર્ડ બંધ નહિ થતાં પ્રદીપને ફોન કરીને જાણ કરતા તે રૂબરૂ દુકાને આવે છે તેમ જણાવ્યું હતું. બાદમાં દુકાને આવીને ફરીવાર મોબાઈલ માંગી તેમાં પ્રોસેસ કરીને જણાવેલ કે હવે થોડા દિવસમાં કાર્ડ બંધ જશે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, આજથી આશરે ત્રણેક માસ પહેલા મને ફોન આવેલ કે તમારે ક્રેડીટ કાર્ડના બીલના રૂ.70,000 ચુકવવાના છે, જેથી હુ બેંકે ગયેલ તો મને જાણવા મળેલ કે, પ્રદિપએ ક્રેડીટ કાર્ડ બંધ કરવાના બહાને મારો મોબાઇલ ફોન લઇ જતા હતા અને મારા મોબાઇલમાંથી ઓ.ટી.પી. લઈને મારા ક્રેડીટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતા હતા. આ સમયે બેંક ખાતે ચંદુલાલ કાપડીયા, ચદ્રેશભાઇ ભોજવાણી, દિપેનકુમાર હરસુરીયા પણ હાજર હતા અને આ પ્રદીપએ તેમની સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી આર્થિક લાભ મેળવી લીધાનું જાણવા મળ્યું હતું.
જે બાદ તમામ ભોગ બનનાર પોલીસ મથકે જતાં ત્યાં જાણવા મળેલ કે, મગનભાઈ કરશનભાઈ વીરાડીયાના રૂ.20,000, ચંન્દ્રકાંતભાઈ પુંજાભાઈ મકવાણાના રૂ. 15,000, શારદાબેન ભરતભાઈ કથીરીયાના રૂ.31000 ચંદુલાલ ચત્રભુજભાઈ કાપડીયાના રૂ.40,000, ચંદ્રેશભાઈ ધરમદાસ ભોજવાણીના રૂ.28,000, દિપેનકુમાર રામચંદ હરસુરીયાના રૂ.58,500, સમીરભાઇ રજાકભાઈ ભટ્ટીના રૂ. 10892, ચેતનકુમાર ચુનીલાલ ગઢીયાના રૂ.50,000, મંજુબેન પીયુષભાઈ ગુજરાતીના રૂ.41,746ની છેતરપિંડી પ્રદીપ વાળાએ આચરી છે.
ત્યારબાદ જેતપુર સીટી પોલીસના પીઆઈ એ ડી પરમાર, એસએસઆઉં ભાવેશભાઈ ચાવડા અને રવજીભાઈ હાપલીયા સહીતની ટીમે તાત્કાલિક આરોપી પ્રદીપ વાળાની ધરપકડ કરી હતી. પ્રદીપ વાળા આ પ્રકારે ઠગાઈ આચરતો હોવાનું ધ્યાને આવતા ચારેક માસ પૂર્વે બેંકમાંથી તેને કાઢી મુક્યાનું સામે આવ્યું હતું. પ્રદીપ ક્રેડિટ કાર્ડની અરજીઓ લઈને આવતા અરજદારોનો મોબાઈલ મેળવી ઓટીપી જનરેટ કરી મિત્ર રવિ માનસિંગ વાળાને મોકલી નાણાં ટ્રાન્સફર કરી લેતો હતો. જેથી પોલીસે હવે કચ્છના માંડવીમાં રહેતા રવિ વાળાની શોધખોળ શરૂ કરી