ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ તેમના પરિવારજનોએ તેમની અંતિમવિધિ રાજકોટમાં જ કરવાનો નિર્ણય લીધો છે. ડીએનએ મેચ થયા બાદ તેમના નશ્વર દેહને ગાંધીનગરથી રાજકોટ લાવવામાં આવશે, જ્યાં તેમને સંપૂર્ણ રાજકીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
અંતિમ યાત્રા અને રૂટ:
રૂટ:
પ્રકાશ સોસાયટી → નિર્મલા રોડ → કોટેચા ચોક → એસ્ટ્રોન ચોક → યાજ્ઞિક રોડ → ડી.એચ. કોલેજ → માલવીયા ચોક → કોર્પોરેશન ચોક → બાલાજી મંદિર → પેલેસ રોડ → રામનાથ પરા સ્મશાન
ગાંધીનગરથી પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી વિશાળ અંતિમયાત્રા શરૂ થશે. આ યાત્રામાં રાજકીય આગેવાનો, કાર્યકરો, સબંધીઓ અને શહેરભરના નાગરિકો જોડાશે. ગ્રીનલેન્ડ ચોકડીથી શબવાહીની મારફત પાર્થિવ દેહને તેમના પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે, જ્યાં થોડા સમય માટે દર્શનાર્થે રાખવામાં આવશે.
ત્યારબાદ અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીથી શરૂ થઈ કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈનરોડ, યાજ્ઞિક રોડ, માલવીયા ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર, પેલેસ રોડ થઈ રામનાથપરા મુક્તિધામ ખાતે પહોંચશે, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પાર્થિવદેહ લાવવાનો રૂટ :
વિજય રૂપાણીનો પાર્થિવદેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે. રાજકોટ શહેરમાં અંદર લાવવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે:
ગ્રીનલેન્ડ ચોકડી → કુવાડવા રોડ → હોસ્પિટલ ચોક → ચૌધરી હાઈસ્કૂલ → રૈયા રોડ → હનુમાન મઢી → પ્રકાશ સોસાયટી.
આ માર્ગે પાર્થિવદેહને લાવવામાં આવીને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે જાહેરમાં મુકવામાં આવશે. જો પાર્થિવ દેહને જૂના એરપોર્ટ પર બાય રોડ લાવવામાં આવશે, તો રૂટ જૂના એરપોર્ટથી રંગ ઉપવન સોસાયટીથી હનુમાન મઢી ચોક થઈ પ્રકાશ સોસાયટીનો રહેશે.
પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થા:
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકો જોડાવાની શક્યતા હોવાથી પોલીસે વ્યાપક તૈયારીઓ કરી છે. ટ્રાફિક પોલીસે અંતિમયાત્રાના રૂટને વન-વે જાહેર કર્યો છે. ડીસીપી જગદીશ બાંગરવા અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભાજપના અગ્રણીઓ સાથે મળીને બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાર્થના સભા:
જો આવતીકાલે (15 જૂન 2025) સુધીમાં અંતિમવિધિ થઈ જશે, તો સોમવારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા/બેસણું યોજાશે. આ માટે પણ પોલીસ અને ભાજપના આગેવાનો દ્વારા બંદોબસ્ત અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ગુરુવારે ગાંધીનગરમાં પણ પ્રાર્થના સભા/બેસણું યોજવામાં આવશે.