- વડા પ્રધાન બનવાની રેસમાં, 59 વર્ષીય કાર્નેને સભ્યોના 86 ટકા મત મળ્યા.
બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ને લિબરલ પાર્ટીના નેતૃત્વની રેસ જીતી લેતા કેનેડાની શાસક લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા છે. જેથી તેઓ જસ્ટિન ટ્રુડો પછી કેનેડાના નવા વડા પ્રધાન બનશે. તેઓ ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંક ગવર્નર છે અને પહેલા કેનેડિયન વડા પ્રધાન હશે જેમને અગાઉ કોઈ વિધાનસભા કે કેબિનેટનો અનુભવ નથી. વડા પ્રધાન બનવાની રેસમાં, 59 વર્ષીય કાર્નેને સભ્યોના 86 ટકા મત મળતાની સાથે, તેઓ દેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે,
રાજકારણમાં નવા આવેલા કાર્નેએ દલીલ કરી હતી કે તેઓ પક્ષને પુનર્જીવિત કરવા અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર વાટાઘાટોનું નેતૃત્વ કરવા માટે સૌથી યોગ્ય છે, જે કેનેડાના નિકાસ-આધારિત અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે તેવા વધારાના ટેરિફની ધમકી આપી રહ્યા છે.
કેનેડામાં આ પહેલી વાર છે જ્યારે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ વગરનો બહારનો વ્યક્તિ વડા પ્રધાન બનશે. કાર્નેએ કહ્યું કે બે G7 સેન્ટ્રલ બેંકોના ગવર્નર તરીકે સેવા આપનારા પ્રથમ વ્યક્તિ તરીકેનો તેમનો અનુભવ તેમને ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે સૌથી યોગ્ય બનાવે છે.
માર્ક કાર્નેનો જન્મ કેનેડાના ઉત્તરપશ્ચિમ પ્રદેશોના ફોર્ટ સ્મિથમાં થયો હતો. તેમનું બાળપણ એડમોન્ટનમાં વિતાવ્યું. આ પછી, તેઓ અમેરિકા ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. બાદમાં, તેઓ યુનાઇટેડ કિંગડમ ગયા, જ્યાં તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1995 માં અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને પછી ડોક્ટરેટની પદવી મેળવી. કાર્નેને 2008 માં બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમના નેતૃત્વને ઝડપથી માન્યતા મળી અને 2010 માં, ટાઇમ મેગેઝિને તેમને વિશ્વના 25 સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક તરીકે નામ આપ્યું. ૨૦૧૧ માં, રીડર્સ ડાયજેસ્ટ કેનેડાએ તેમને મોસ્ટ ટ્રસ્ટેડ કેનેડિયન જાહેર કર્યા અને ૨૦૧૨ માં યુરોમની મેગેઝિને તેમને “સેન્ટ્રલ બેંક ગવર્નર ઓફ ધ યર” જાહેર કર્યા. 2013 માં, કાર્ને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બન્યા. તેઓ સંસ્થાના ૩૦૦ વર્ષના ઇતિહાસમાં નેતૃત્વ કરનાર પ્રથમ બિન-બ્રિટિશ નાગરિક બન્યા. તેમણે 2020 સુધી આ પદ પર કામ કર્યું.
તાજેતરના વર્ષોમાં, માર્ક કાર્ને બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ ખાતે યુએનના ખાસ દૂત, ક્લાઇમેટ એક્શન અને ફાઇનાન્સ અને ટ્રાન્ઝિશન ઇન્વેસ્ટિંગના વડા જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. જોકે, તેમણે આ પદો પરથી રાજીનામું આપવાનું અને કેનેડાની લિબરલ પાર્ટીના નેતા બનવાની રેસમાં જોડાવાનું નક્કી કર્યું.
સોમવારે કેનેડાના વડા પ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ તેમનું છેલ્લું ભાષણ આપ્યું. તેમના વિદાય ભાષણમાં, ટ્રુડોએ લોકોને દેશના ભવિષ્યમાં જોડાયેલા રહેવા વિનંતી કરી. લિબરલ પાર્ટીના સભ્યોની ભીડને સંબોધતા, ટ્રુડોએ તેમના કાર્યકાળ પર ગર્વ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “મને ખોટું ન સમજો, છેલ્લા 10 વર્ષમાં આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના પર મને ખૂબ ગર્વ છે. પરંતુ આજની રાત એક પક્ષ તરીકે, એક દેશ તરીકે આપણા ભવિષ્ય વિશે છે.”
તેમણે આર્થિક ચિંતાઓને સંબોધિત કરી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો સૂક્ષ્મ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “આપણે એક એવો દેશ છીએ જ્યાં જ્યારે પણ લડવું પડશે, ત્યારે આપણે આગળ વધીને લડીશું.”
તેમણે વર્તમાનને રાષ્ટ્ર-નિર્ધારિત ક્ષણ તરીકે વર્ણવ્યું અને કહ્યું કે લોકશાહી અને સ્વતંત્રતા માટે સતત પ્રયાસની જરૂર છે. “તે માટે હિંમત, બલિદાન, આશા અને સખત મહેનતની જરૂર પડે છે. આપણે છેલ્લા 10 વર્ષમાં પ્રાપ્ત કરેલી બધી મહાન બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. તેના બદલે, આપણે આગામી 10 વર્ષો અને આવનારા દાયકાઓમાં વધુ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થવું જોઈએ,” તેમણે કહ્યું.