અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે એર ઈન્ડિયાનું AI171 વિમાન ક્રેશ થતાં સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ભયાનક દુર્ઘટનામાં ૧૫૦થી વધુ લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલો સૂચવે છે. સૌથી દુઃખદ સમાચાર એ છે કે, આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિજય રૂપાણી એર ઈન્ડિયાની AI171 ફ્લાઈટમાં લંડન જઈ રહ્યા હતા. તેમનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે, જેમાં તેમનું નામ મુસાફરોની યાદીમાં 12મા નંબરે દર્શાવવામાં આવ્યું છે. તેઓ આજે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને બિઝનેસ ક્લાસમાં, પહેલી હરોળની સીટમાં એકલા મુસાફરી કરી રહ્યા હતા. વિમાન ટેક-ઓફ થયા બાદ જ આ દુર્ઘટના સર્જાઈ હતી.
પ્લેન ક્રેશ થયા બાદ વિજય રૂપાણીને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે તેમનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
લંડનમાં રહેતી દીકરી રાધિકા પાસે જઈ રહ્યા હતા રૂપાણી
ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીની દીકરી રાધિકા અને જમાઈ નિમિત, બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે. તેમને એક દીકરી પણ છે. વિજય રૂપાણી ઘણીવાર પોતાની દીકરી પાસે લંડન જતા હતા. આ ફ્લાઈટ પણ લંડન જઈ રહી હોવાથી, તેઓ પોતાની દીકરી પાસે જઈ રહ્યા હોવાનું મનાય છે.
આ દુર્ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે અને વિમાન ક્રેશના ચોક્કસ કારણો જાણવા માટે બ્લેક બોક્સની શોધખોળ અને વિશ્લેષણ કરવામાં આવશે. આ દુર્ઘટનાથી રાજ્યભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ વિજયભાઈના પત્ની અંજલિ રૂપાણી પણ લંડનથી ભારત આવવા માટે નીકળી ગયા હોવાના અહેવાલ છે.