પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન આઇપીએલના જનક લલિતના લાલિત્યમાં!

લલિત મોદીએ સુસ્મિતા સેન સાથેની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી

આઈપીએલના જનક લલિત મોદીએ ગુરુવારે સાંજે બોલિવુડ બ્યૂટી સુષ્મિતા સેન સાથેના રિલેશનશિપને ઓફિશિયલ કરતાં લોકોને જબરદસ્ત આંચકો અને નવાઈ લાગી હતી. લલિત મોદીએ ટ્વિટર પર સુષ્મિતા સેન સાથેની કેટલીક કોઝી તસવીરો શેર કરી હતી, જે ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. તસવીરોની સાથે તેણે લખ્યું હતું ’પરિવાર અને મારી બેટરહાફ સાથે ગ્લોબલ ટૂર થી  લંડન પરત ફર્યા, આખરે એક નવી શરૂઆત, નવું જીવન. સાતમાં આસમાને છું’. આ ટ્વીટ પરથી બંનેએ લગ્ન કરી લીધા હોવાની અટકળો શરૂ કરી દીધી હતી. જો કે, ત્યારબાદ તેણે તરત જ બીજી ટ્વીટ કરીને લખ્યું હતું ’માત્ર સ્પષ્ટતા માટે. લગ્ન નથી કર્યા- અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. તે પણ એક દિવસ થઈ જશે તેવી આશા’.લલિત મોદી અને સુષ્મિતા સેનની કેટલીક જૂની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જે 2013થી તેઓ ડેટ કરી રહ્યા હોવાના સંકેત આપી રહ્યા છે. જો કે, અમારું સહયોગી ઈટાઈમ્સ આપના માટે સૌથી પહેલા અને એક્સક્લુઝિવ માહિતી લઈને આવ્યું છે કે, તેમની વચ્ચે શરૂઆતથી કંઈ નહોતું. લલિત મોદી અને સુષ્મિતા સેનનું અફેર હાલનું ડેવલપમેન્ટ છે. રોહમન શોલ સાથે બ્રેકઅપ થયું ત્યાં સુધી એક્ટ્રેસ લલિત મોદીને ડેટ કરી રહી નહોતી.

લલિત મોદીના પત્ની મિનલ મોદીનું 2018માં નિધન થયું હતું અને ત્યાં સુધી તે તેમની સાથે ખુશ અને કમિટેડ રિલેશનશિપમાં હતો. તો બીજી તરફ, સુષ્મિતા સેન 2013 બાદ ઘણા જાણીતા ચહેરા સાથે ડેટિંગ કર્યું હતું, જેમાં રિતિક ભસીન, બંટી સજદેહ, રણદીપ હુડા અને રોહમન શોલનો સમાવેશ થાય છે. સુષ્મિતા સેન અને લલિત મોદીની જે જૂની ટ્વીટ વાયરલ થઈ છે, તેના પરથી તેઓ ઘણા સમયથી એકબીજા સાથે સારા સંબંધો ધરાવતા હશે તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા ટ્વિન્કલ ખન્નાને આપેલા ઈન્ટરવ્યૂમાં સુષ્મિતા સેને કહ્યું હતું કે, ’મારા જીવનમાં ઘણા રસપ્રદ પુરુષો આવ્યા હતા પરંતુ લગ્ન ન કરવાનું એકમાત્ર કારણ એ જ હતું કે, તેઓ મારી અપેક્ષા પર ખરા ઉતર્યા નહોતા. મારી દીકરીઓના કારણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જરાય નથી. મારી દીકરીઓ મારા દરેક પાર્ટનર સાથે હળીમળી ગઈ હતી અને બંને પક્ષે સંબંધો સારા રહ્યા હતા’.