સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ અમ્પાયર રૂડી કર્ટઝનું અકસ્માતમાં નિધન

ક્રિકેટ જગતને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયર્સમાં સામેલ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ અમ્પાયર રુડી કર્ટઝનનું અકસ્માતમાં મોત થયું છે.

મંગળવારે થયેલા કાર અકસ્માતમાં 73 વર્ષીય કર્ટઝન મોતને ભેટ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે કર્ટઝન ઉપરાંત અન્ય ત્રણ લોકોના પણ આ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત સાઉથ આફ્રિકાના રિવરડેલ નામના વિસ્તારમાં થયો હતો.

રુડી કર્ટઝન વીકેન્ડમાં ગોલ્ફ રમીને કેપટાઉનથી નેલ્સન મંડેલા બેમાં ડેસ્પેચ ખાતે પોતાના ઘરે જઈ રહ્યા હતા.રૂડી કર્ટઝનના પુત્ર રૂડી કર્ટઝન જૂનિયરે જણાવ્યું હતું કે, તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે ગોલ્ફ રમવા ગયા હતા અને તેઓ સોમવારે પરત આવવાના હતા. જોકે, તેમણે પોતાની યોજના બદલી હતી અને ગોલ્ફનો વધુ એક રાઉન્ડ રમવાનું નક્કી કર્યું હતું.

સાઉથ આફ્રિકન ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. હાલમાં તે ઈંગ્લેન્ડ લાયન્સ સામે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. દિવંગત અમ્પાયર કર્ટઝનને શ્રદ્ધાંજલિ આપવા માટે સાઉથ આફ્રિકન ખેલાડીઓએ બ્લેક આર્મબેન્ડ પહેરવાનું નક્કી કર્યું છે.