Abtak Media Google News
  • (જો સોઈલ રિપોર્ટ નબળો આવે તો જ ?)
  • ફાઉન્ડેશન કરવું પોસાય તેમ ન હોવાથી રાઈડ્સ સંચાલકોએ હરરાજીમાં ભાગ ન લીધો,
  • રાઈડ્સ સંચાલકોએ એસઓપીનો સરખો અભ્યાસ ન કર્યો કે અંધારામાં રખાયા?
  • રાજકોટમાં લોકમેળામાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ એક નવો ધડાકો એ થયો છે કે

લોકમેળામાં રાઈડ્સનું ફાઉન્ડેશન ફરજિયાત છે પણ જો સોઈલ રિપોર્ટ નબળો આવે તો જ. બાકી સોઈલ રિપોર્ટ સારો આવે તો ફાઉન્ડેશનની કોઈ જરૂર નથી. આવા નિયમની સ્પષ્ટતા થઈ હોવાનું સૂત્રો જણાવે છે. પણ અગાઉ રાઈડ્સ સંચાલકોને આ અંગે જાણ જ ન હોવાનો અને તેઓને ફાઉન્ડેશન ફરજીયાત જ હોવાનું કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જન્મોષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તા.24 થી તા.28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો સફળતાપૂર્વક યોજવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે લોકમેળાનું નામ ધરોહર રખાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેળાનું ઉદઘાટન કરાવવા તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને 10 કરોડની કરાઇ છે.

બીજી તરફ આ વર્ષે રાઈડ્સને લઈને કોકડું ભારે ગૂંચવાયુ હતું. જેમાં રાઈડ્સના નિયમો જડ હોવાના કારણે રાઈડ સંચાલકોએ હરાજીમાં ભાગ લેવાનું જ ટાળ્યું હતું. ખાસ રાઈડસ માટે ફાઉન્ડેશન ફરજિયાત કરવાનું હોવાનું તંત્ર એ જણાવતા રાઈડ સંચાલકોનું એવું કહેવું હતું કે ફાઉન્ડેશન માટે ઘરના છત ભરવા જેટલો ખર્ચો થાય છે. માત્ર પાંચ દિવસના મેળા માટે રાઈડસનું ફાઉન્ડેશન ભરવું ખર્ચાળ સાબિત થઈ શકે છે. જો કે હાલ તમામ જે રાઇડ્સના પ્લોટ ખાનગી સંચાલકે લીધેલા છે. તેઓએ એવું કહ્યું કે તેઓ સોઈલ રિપોર્ટ કરશે. એનડીટી રિપોર્ટ પણ આજે તૈયાર થઈ જવાનો છે. રાઈડના નકશા પણ બનાવવામાં આવશે પછી લાઇસન્સ ઇસ્યુ થશે. વધુમાં તેઓ એમ પણ કહ્યું કે જો જમીન મજબૂત હશે અને સોઇલ રિપોર્ટ સારો આવશે તો ફાઉન્ડેશનની જરૂર નહીં રહે. આમ સૂત્રો જણાવી રહ્યા છે કે ફાઉન્ડેશન વગર જ લોકમેળામાં રાઈડસ નાખવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે રાઈડ્સ સંચાલકોને એવું કહેવામાં આવ્યું હતું કે ફાઉન્ડેશન તો ફરજીયાત જ છે. આમ તેઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા કે તેઓએ એસઓપીનો અભ્યાસ કર્યો ન હતો ? તેવા પ્રશ્ન સર્જાયા છે.

  • લોકમેળામાં ભીડ નિયંત્રણ માટે દેશના ટોચના નિષ્ણાંતો પાસેથી લેવાયું માર્ગદર્શન
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ વાર રાજકોટમાં આયોજિત “ક્રાઉડ મેનેજમેન્ટ” વર્કશોપમાં 11 જિલ્લાઓના અધિકારીઓ જોડાયા

દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 24થી 28 ઓગસ્ટના પાંચ દિવસ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે “ધરોહર લોકમેળો-2024″નું આયોજન  કરવામાં આવી રહ્યું છે. આ લોકમેળામાં ઉમટી પડનારા માનવ મહેરામણનું નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂપે સંભવત: રાજ્યભરમાં પ્રથમ વખત તાલીમ અને માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેનો શુભારંભ કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો.

લોકમેળામાં વિશાળ જનમેદની એકઠી થતી હોય છે, ત્યારે આવા સ્થળ પર આપત્તિ કે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. આ સમયે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના કર્મચારીઓએ ડીઝાસ્ટર સંબંધિત કૌશલ્ય તાલીમ મેળવેલી હોય તો પૂર્વ આયોજન થકી આવી ઘટનાઓને બનતા પહેલા જ રોકી શકાય તથા જાનહાની ટાળી શકાય. આ ઉદ્દેશ સાથે ભારત સરકારના ગૃહ વિભાગ અંતર્ગત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હીનાં તજજ્ઞો દ્વારા રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ ખાતે લોકમેળામાં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનનું માર્ગદર્શન તેમજ તાલીમ આપવા માટે તાલીમ કાર્યશાળા યોજાઈ હતી.

આ તાલીમમાં ભીડનું નિયમન, જનસમૂહના મેળાવડા નિયમન માટેની નીતિ, આયોજન, ભીડની લાક્ષણિકતાઓ તથા નિયમન અંગેના પડકારો, કેસ સ્ટડીઝ અને સાવચેતીના પગલાઓ અંગેની તૈયારીઓ જેવી બાબતો વિષયક માર્ગદર્શન અપાયું હતું. તેમજ નિષ્ણાતોના સ્વાનુભાવની વહેંચણી કરવામાં આવી હતી.

આ સેમિનારમાં તજજ્ઞો તરીકે એન.ડી.એમ.એ.ના સલાહકાર ડો. પવનકુમાર સિંઘ, ગુજરાત ફાયર સર્વિસીસના ડાયરેકટર નલીન ચૌધરી, એન.આઇ.ડી.એમ.ના વિમલ તિવારી એ પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ચેતન ગાંધી, ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારીઓ, મામલતદારો સહિત માર્ગ અને મકાન, ફાયર, આરોગ્ય, પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 108 એમ્બ્યુલન્સ સેવાના અધિકારીઓ ઉપરાંત સૌરાષ્ટ્રભરના જામનગર, દ્વારકા, ગીરસોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ મળી કુલ 11 જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • અણધારી આફતમાં વિવિધ વિભાગોનું સંકલન ખૂબ મહત્વનું: અનિલકુમાર સિંહા

આ કાર્યક્રમમાં બિહાર સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના ફોર્મર વાઇસ ચાન્સેલર અનિલકુમાર સિંહા એ ગુજરાત સાથેનો સંબંધ વર્ણવતા કહ્યું હતું કે ભારત સરકાર વતી વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ આવેલા ભયાનક ભૂકંપનો ચિતાર આપવા આવવાનું થયું હતું. કલેક્ટરએ આ તાલીમનું આયોજન કરતા આજે ફરીવાર આવવાનું થયું છે, જે બદલ તેમનો આભાર માનું છું.            તેમણે આપત્તિ વ્યવસ્થાપન અંગે જણાવ્યું હતું કે ’એક્સપેક્ટ – ધ અનએક્સપેક્ટેડ’ અર્થાત્ જે અનઅપેક્ષિત છે, તે અપેક્ષિત છે. એટલે કે કોઈ દુર્ઘટના સર્જાય, તે ઇચ્છનીય નથી પરંતુ જો આપત્તિને અંકુશમાં લેવા માટે પૂર્વ આયોજન કરવામાં આવે તો તે કપરા સંજોગોમાં ઘણું મદદરૂપ બને છે. અણધારી આફત આવે ત્યારે સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વિકાસ એવો ન હોવો જોઈએ કે આફત બની જાય પરંતુ વિકાસ એવો હોવો જોઈએ કે જે આપણને આફતથી બચાવે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે વર્સ્ટ સીનારિયો માટે તૈયાર રહેવું જોઈએ: સુર્યપ્રકાશ

એન.આઇ.ડી.એમ. હેડ ઓફ ડિવિઝન પ્રોફેસર સુર્યપ્રકાશે કહ્યું હતું કે આપદા પ્રબંધનની તાલીમ મોટા ભાગે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કરાતી હોય છે, પણ રાજકોટના કલેકટરે તાલીમ માટે પહેલ કરી, તે સરાહનીય છે. વધુમાં, તેમણે કહ્યું હતું કે કોઈ પણ ઇવેન્ટમાં તેની ટાઇપ, નેચર, ફેસિલીટી, કેપિસીટી જોવી પડે અને સિસ્ટમેટીક ઓર્ડરથી કામ કરવું પડે, જેના માટે તાલીમબદ્ધ સ્ટાફ જોઈએ. જેમ કે ફાયરના સ્ટાફને આગ લાગે ત્યારે આધુનિક સાધનો ચલાવતા આવડે નહીં, તે બાબત યોગ્ય નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે વર્સ્ટ સીનારિયો માટે તૈયાર રહેવું જોઈએ. ગુજરાતમાં મોટો કોસ્ટલ એરિયા છે, ત્યારે પૂર્વ આયોજનમાં સંસાધન એકત્રિત કરવા તથા લાખો અસરગ્રસ્તોને સલામત રીતે સ્થળાંતરિત કરીને બચાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના આપદા જેવી કે ફાયર, પૂર, વાવાઝોડાને કંટ્રોલ કરવા એક મજબૂત ઇંસિડેટલ કો- ઑર્ડીનેશન સિસ્ટમ હોવી જોઈએ. આરોગ્યના સ્ટાફને હાર્ટએટેકના સી.પી.આર.ની જાણકારી હોય તો દર્દીઓને યોગ્ય સમયે ટ્રીટમેન્ટ મળે તો જીવન બચી શકાય છે.

  • લાખોની ભીડને અંકુશમાં લાવવા ટેકનીકલ માર્ગદર્શન ખૂબ સહાયરૂપ: કલેકટર

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટના ધબકાર સમાન લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન અંદાજે 8 લાખથી 10 લાખની મેદની ઉમટી પડતી હોય છે. આવા સમયે દુર્ઘટના બનતી રોકવા માટે પ્રવેશદ્વારની સંખ્યા વધારવામાં આવી છે, દુકાનોની સંખ્યા ઘટાડવામાં આવી છે, વીમાકવચની રકમ અને 108 એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારાઈ છે. સાથેસાથે લાખોની ભીડને અંકુશમાં લાવવા ટેકનીકલ માર્ગદર્શન ખૂબ જ સહાયરૂપ બને છે. ત્યારે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંભવત: જિલ્લા કક્ષાએ પ્રથમ વખત તાલીમ અપાઈ રહી છે. તજજ્ઞોના મેનેજરીયલ નોલેજનો લાભ લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે ચોક્કસપણે ઉપયોગી બની રહેશે, તેવી ખાતરી છે.

  • “ભીડ વ્યવસ્થાપન”  માટે પોલીસની ભૂમિકા ખૂબ ઉપયોગી: એડિશનલ સીપી

એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટમાં “ભીડ વ્યવસ્થાપન”  માટે પોલીસની ભૂમિકા ખૂબ ઉપયોગી છે. ઇવેન્ટ શાંતિથી પૂર્ણ થાય, એ માટે પોલીસ વિભાગ ખૂબ અગાઉથી જ વ્યવસ્થાપન માટે આયોજન કરતું હોય છે. ક્રાઉડનું બેકગ્રાઉન્ડ, હવામાન, ઇવેન્ટનો પ્રકાર આ બધાનાં ટેકનિકલ મેનેજમેન્ટનાં એન્ગલને ખૂબ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. ત્યારે અહીં યોજાઇ રહેલું વર્કશોપ ખૂબ ઉપયોગી બની રહેશે.

  • નાસભાગ કે આગના બનાવોને કાબૂમાં લેવા માઈક્રો મેનેજમેન્ટ ખૂબ જરૂરી: મ્યુનિ. કમિશનર

મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઉત્સવપ્રિય પ્રદેશ હોવાથી અહીં અનેક ઉત્સવો યોજાતા રહે છે. અને આવા ઉત્સવોમાં ખૂબ બધી ભીડ થતી રહે છે. જેમાં નાસભાગ કે ફાયર ઈન્સિડન્ટ બનવાની શકયતા રહે છે. આ બનાવોને બનતા અને કાબૂમાં લેવા માઈક્રો મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. જેના માટે આ ઉચ્ચકક્ષાનાં તજજ્ઞોનો સેમિનાર ખૂબ ઉપયોગી બની રહેશે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટના તજજ્ઞોએ આપત્તિ વખતે ક્ષમતાવર્ધન અંગે તાલીમ આપી:  “ધરોહર લોકમેળાટ” ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગે એ ટુ ઝેડ માર્ગદર્શન મેળવાયું

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.