Abtak Media Google News

કોરોનાના કેસમાં પણ તોતીંગ ઉછાળો: નવા 90 કેસ નોંધાયા

દેશભરમાં હાહાકાર મચાવી એચથ્રીએનટુ કેસની ગુજરાતમાં પણ એન્ટ્રી થઇ ચુકી છે. મંગળવારે ભાવનગર અને મહેસાણાના વિસનગરમાં બે કેસ આવ્યા બાદ અમદાવાદમાં એક જ દિવસમાં નવા ચાર કેસ મળી આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એચથ્રીએનટુના કુલ છ કેસ નોંધાયા છે. વડોદરાના વૃધ્ધાનું શંકાસ્પદ મોત પણ નિપજ્યુ હતું. અમદાવાદમાં નવા વાયરસના એક સાથે ચાર કેસ મળી આવતા રાજ્યભરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દરમિયાન ગઇકાલે કોરોના બ્લાસ્ટ થયો હતો. એક જ દિવસમાં નવા 90 કેસ નોંધાયા હતાં.

ગુજરાતમાં બૂધવારે કોરોનાના નવા 90 કેસ મળી આવ્યા હતાં. સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં કેટલાક નિયંત્રણો પણ આવી શકે છે.

રાજ્યમાં અમદાવાદ શહેરમાં 50 ટકાથી વધુ કેસો નોંધાય રહ્યા છે. બૂધવારે અમદાવાદમાં નવા 49 કેસ મળી આવ્યા હતાં. જ્યારે મહેસાણામાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 8 કેસ, સુરત કોર્પોરેશનમાં 6 કેસ, સાબરકાંઠા જિલ્લામાં નવા પાંચ કેસ, વડોદરા કોર્પોરેશનમાં નવા પાંચ કેસ, પોરબંદર જિલ્લામાં નવા બે કેસ, રાજકોટ જિલ્લામાં નવા બે કેસ, અમરેલી, ભરૂચ અને વલસાડમાં નવા એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 90 કેસ નોંધાયા છે. જ્યારે 22 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. નવા કેસમાં 55 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે એક્ટિવ કેસમાં પણ 25 ટકાનો વધારો નોંધાયો છે. હાલ રાજ્યમાં 336 એક્ટિવ કેસ છે. જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 331 વ્યક્તિઓની હાલત સ્થીર છે. કોરોના અત્યાર સુધીમાં 11047 લોકોને ભરખી ગયો છે. હવે વેક્સિનેશન માટે પણ લોકોમાં જાગૃતતા આવી છે.

જે રિતે એચથ્રીએનટુ અને કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક આકરા નિયંત્રણો પણ મૂકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.