- ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગને પગલે
- ગોડાઉનમાંથી ડીટોનેટર, સોલાર કોડ સહિત રૂ.67.73 લાખનો વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપાયો
- ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમો દ્વારા ચેકીંગ દરમિયાન ગેરરિતી બહાર આવી
સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ સંપત્તિના ખનન માટે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ થતો હોય છે. જેના માટે ચોટીલા સહિત થાન તાલુકામાં વિસ્ફોટક પદાર્થના અલગ-અલગ ગોડાઉન ધમધમી રહ્યાં છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે ચોટીલા તેમજ થાન તાલુકામાં આવેલ ચાર જેટલા વિસ્ફોટક પદાર્થનો સંગ્રહ કરતા ગોડાઉનમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ગોડાઉનમાં ગેરરીતી જણાઈ આવતાં ચાર ગોડાઉન સીલ કરી લાખોનો વિસ્ફોટક પદાર્થ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે થાન તેમજ મુળી તાલુકાના ગામોમાં કાર્બોસેલના ખનન માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થનો સંગ્રહ કરતા ગોડાઉનમાં ચોટીલા મામલતદાર તેમજ થાન મામલતદારની અલગ-અલગ ટીમો બનાવી શંકાના આધારે સરપ્રાઈઝ ચેકીંગ તેમજ રેઈડ પાડી હતી. જેમાં ચોટીલા સહિત નાવા, મેવાસા અને થાન તાલુકાના સારસાણા ગામ સહિત ચાર વિસ્ફોટક પદાર્થના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો, વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર વગેરે નિયમોનું ઉલંધ્ધન થતું જણાઈ આવ્યું હતું આથી તમામ ગોડાઉનમાંથી રૂા.67.73 લાખની કિંમતનો એલ્યુમીનીયર સુપર ઈલેકટ્રીક ડીટોનેટર, સોલાર કોડ, ઈકો પ્રાઈમ, સુપરપાવર-90 સહિતનો મુદામાલ સીલ કરવામાં આવ્યો હતો અને ગોડાઉનના માલીકો (પરવાનેદારે) અનિરૂધ્ધસિંહ પ્રવિણસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ અશ્ર્વિનીકુમાર જાડેજા અને પી.ડી.રાવલ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમ દ્વારા રેઈડ કરવામાં આવતા અન્ય વિસ્ફોટક પદાર્થના ગોડાઉન માલીકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.