Abtak Media Google News
  • વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં બન્ને કારનો બુકડો બોલી ગયો
  • રાજકોટ-ગોંડલ હાઇવે મરણચિસોથી ગાજી ઉઠ્યો

રાજકોટ – ગોંડલ નેશનલ હાઇવે આજે વહેલી સવારે મરણચિસોથી ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારે બે ફોર વ્હીલ વચ્ચે ટક્કર થતાં ચાર યુવાનોનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્વિફટ કાર ડિવાઈડર કૂદી સામેની સાઈડ જઈ બોલેરો સાથે અથડાતા બંને ફોર વ્હીલનો બુકડો બોલી ગયો હતો.

ગોંડલ ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી વચ્ચે નેશનલ હાઇવે પર વહેલી સવારે સ્વિફટ કાર અને બોલેરો જીપ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ગોંડલનાં અને બે ધોરાજીનાં મળી કુલ ચાર યુવાનોનાં કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલી હદે ભયાનક હતો કે બન્ને વાહનોનો બુકડો બોલી ગયો હતો. બનાવનાં પગલે ઇમરજન્સી 108, શિવમ સાર્વજનિક ટ્રસ્ટ  તથા નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઘટનાને પગલે બી ડીવીઝન ઉપરાંત તાલુકા પોલીસ અને રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પંહોચી રોડ પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી વચ્ચે નેશનલ હાઇવે પર ટીવીએસ શો રુમની સામે ધોરાજી તરફ જઈ રહેલી જીજે-03-એલજી-5119 નંબરની બેકાબુ બનેલી સ્વિફટ કાર ડિવાઇડર તોડી જામવાડી ચોકડી તરફથી આવી રહેલી જીજે-03-એમએલ-2444 નંબરની બોલેરો જીપ સાથે ધડાકાભેર અથડાતા બન્ને ગાડીઓનો બુકડો બોલી ગયો હતો અને મરણચીસોથી હાઇવે ગાજી ઉઠ્યો હતો.

અકસ્માતમાં બોલેરો જીપમાં રહેલા ગોંડલનાં મારુતીનગરમાં રહેતા સિધ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.35) તથા મહાકાળીનગરમાં રહેતા ક્રીપાલસિંહ હરભમસિહ જાડેજા (ઉ.વ.39) ઉપરાંત સ્વિફટ કારમાં રહેલા ધોરાજીનાં વિરમભાઇ દેસુરભાઇ કરમટા તથા સિધ્ધાર્થભાઇ કાચાનાં ગંભીર ઇજાનાં કારણે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બનાવને પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડ, બી ડીવીઝન પોલીસનાં પીએસઆઇ સુરાણી, ઉપરાંત રુરલ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

અકસ્માતમાં મોતને ભેંટનાર સિધ્ધરાજસિંહ ઝાલા પરણીત હતા. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું અને માઉન્ટ આબુમાં હોટેલ ચલાવતા હોવાનુ જાણવા મળેલ હતુ. જ્યારે ક્રીપાલસિંહ જાડેજા મહાકાળીનગરમાં રહેતા હતા અને અપરણીત હતા. ત્રણ ભાઇઓનાં પરીવારમાં નાના હતા. એક વર્ષ પહેલા તેમના ભાઈનું મૃત્યુ થયુ હતુ. જ્યારે તેમના માતાનું હજુ ત્રણ મહીના પહેલા મૃત્યુ થયુ હતુ. ક્રીપાલસિંહ મુળ માણેકવાડાનાં વતની હતા. ધોરાજીનાં યુવાનોની મોડેથી ઓળખ થતા તેમના પરિવારજનોને જાણ કરાઇ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

બોલેરામાં સવાર યુવકો ગોંડલ અને માણેકવાડાના જ્યારે સ્વિફ્ટમાં રહેલા બન્ને યુવાન ધોરાજીના વતની

ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેંટનાર ચારેય યુવાનો ગોંડલ, માણેકવાડા અને ધોરાજીના રહેવાસીઓ છે. બોલેરો જીપમાં રહેલા સિધ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.35) ગોંડલનાં મારુતીનગરમાં અને ક્રીપાલસિંહ હરભમસિહ જાડેજા (ઉ.વ.39) મહાકાળીનગરમાં રહેતા હતા. ક્રિપાલસિંહ મૂળ માણેકવાડાના વતની છે. ઉપરાંત સ્વિફટ કારમાં રહેલા વિરમભાઇ દેસુરભાઇ કરમટા તથા સિધ્ધાર્થભાઇ કાચાનાં ધોરાજીનાં વતની હતા.

વિરમ કરમટાનો જન્મદિવસ જ જીવનનો અંતિમ દિવસ બની ગયો

સ્વિફ્ટ કારમાં રહેલા વિરમ દેસુરભાઈ કરમટાનો આજે જન્મદિવસ હતો અને જન્મદિવસ જ તેમના જીવનનો અંતિમ દિવસ બની ગયો હતો. સ્વિફ્ટ કાર બેકાબુ થઇ જતાં ડિવાઈડર કૂદી સામેની સાઈડથી આવતા બોલેરો સાથે અથડાતા ચાર યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.