Abtak Media Google News

હત્યા, ખૂની હુમલો, ધાડ, લૂંટ અને હથિયાર સહિત ટોળકી સામે ૭૬ ગુના નોંધાયા ; મુખ્ય સૂત્રધારની શોધખોળ

શહેરના ભીસ્તીવાડ વિસ્તારમાં ગેંગ બનાવી ૧૦ વર્ષમાં ૭૬ ગુનાને અંજામ આપનાર એજાજ ખીયાણી અને તેની ગેંગના ૧૦ ઇસમો સહિત ૧૧  સામે ગુજસીટોક હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે. અગાઉ છ શખ્સોની ધરપકડ કર્યા બાદ  અન્ય ચાર આરોપીઓ જેલમાં હોય તેનો શુક્રવારે જેલમાંથી કબજો મેળવ્યો હતો. આજે કોર્ટમાં અન્ય ચાર આરોપીને રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ભીસ્તીવાડમાં રહેતા એજાજ અહેમદ ખીયાણી અને અન્ય દસ ઇસમો વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૦ સુધીમાં ગેંગ બનાવી લૂંટ, હત્યા, ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિત ૭૬ ગુના આચર્યા હતા. કુખ્યાત ગેંગની કમ્મર ભાંગી નાખવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગેંગની પૂરી વિગતો મેળવી એજાજ સહિત ૧૧ નામચીન શખ્સો સામે અઠવાડિયા પૂર્વે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતા જ પ્ર.નગર પોલીસે સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાચ, ઇમરાન જાનમહમદ મેણું, મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, માજીદરફીક ભાણું અને મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણીને ઝડપી લીધા હતા, અને છએય આરોપીને ૧૦ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

જ્યારે ગેંગના અન્ય ચાર ઇસમો રીયાઝ ઇસ્માઇલ દલ, રીઝવાન ઇસ્માઇલ દલ, યાસીન ઉર્ફે ભુરો ઓસમાણ કયડા અને શાહરૂખ ઉર્ફે રાજા ઓસમાણ ઉર્ફે બાબુ જુણાચ ( રહે. હુડકો ક્વાર્ટર ,રાજકોટ)એ ખૂન અને લૂંટના ગુનામાં અગાઉથી જેલમાં હોય પ્ર.નગર પોલીસે શુક્રવારે ઉપરોક્ત ચારેય આરોપીઓનો જેલમાંથી કબજો મેળવ્યો હતો.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ચારેયની ધરપકડ કરવામાં આવી છે. હાલ ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે ગેંગના સૂત્રધાર એજાજ અહેમદ ખીયાણીને ઝડપી લેવા તેના આશ્રય સ્થાનોએ તપાસ ચાલુ રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.