પીજીવીસીએલ સહિત રાજયની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા એ-પ્લસ રેટીંગ અપાયું: ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ
રાજ્યની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા એ પ્લસ રેટિંગ અપાયું છે. દેશની ટોચની પાંચ વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી ચાર ગુજરાતની છે
રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજમાળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને એપ્લસ રેટિંગ મળ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, જ્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવે છે.
રાજ્યમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ આપવામાં આવેલાં વીજ જોડાણો અંગેની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે વર્ષ 1997થી અમલી થયેલી આ યોજના હેઠળ ડિસેમ્બર, 2024 સુધીમાં રાજ્યમાં આશરે રૂ. 583.34 કરોડના ખર્ચે કુલ 10,96,581 જેટલા પરિવારોને ઘર વપરાશનાં વીજજોડાણો આપવામાં આવ્યા છે.
જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણની માહિતી આપતાં ઊર્જામંત્રીએ જણાવ્યું કે તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં જિલ્લાના વિવિધ તાલુકાના 1419 લાભાર્થીઓને કુલ રૂ.65.43 લાખના ખર્યે વીજજોડાણ આપવામાં આવ્યાં છે.
આ અંગે મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજજોડાણ મેળવી શકે છે.
આ યોજના હેઠળ ઘરવપરાશના વીજ જોડાણ માટે લેવા માટે અરજદારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત કચેરીએ, જ્યારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાએ નોંધાવેલી અરજી વીજ વિતરણ કંપનીની સંલગ્ન ક્ષેત્રીય કચેરી દ્વારા અરજદારનો સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો મેળવીને વીજ જોડાણ આપવાની કામગીરી કરવામાં આવે છે. જેના માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ ઘરવપરાશના વીજજોડાણ માટે કોઈ જ રકમ ભરપાઈ કરવાની રહેતી નથી તેમ ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ખેડૂતોને વીજ બિલમાં બે વર્ષમાં રૂ.18,004 કરોડની સબસિડી અપાઈ
રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23માં રૂ. 8,233 કરોડ અને વર્ષ 2023-24માં રૂ. 9,771 કરોડ એમ કુલ બે વર્ષમાં રૂ. 18,004 કરોડની સબસિડી આપવામાં આવી છે.
રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણો અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આમ હાલમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ છે. તદુપરાંત રાજ્યના ખેડૂતોને વીજ દરના તફાવતની રકમ, ઇલેક્ટ્રિસિટી ડયુટી તેમજ ફયુઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી જે સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લાં બે વર્ષમાં વીજ બિલમાં સબસિડી મુદ્દે મંત્રીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ 2023માં 43,468 ખેડૂતોને રૂ. 701.44 કરોડ તથા વર્ષ 2024માં 44,471 ખેડૂતોને રૂ. 637.65 કરોડની એમ કુલ રૂ. 1339.09 કરોડની સબસિડી આપવામાં આવી છે. એ જ રીતે, અમરેલી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-2023માં 1,32,463 ખેડૂતોને રૂ. 377.41 કરોડ તથા વર્ષ-2024માં 1,35,793 ખેડૂતોને રૂ. 339.28 કરોડની એમ છેલ્લાં બે વર્ષમાં કુલ રૂ. 716.69 કરોડની સબસિડી આપવામાં આવી છે.
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-2023માં 31,637 ખેડૂતોને રૂ. 153.04 કરોડ તથા વર્ષ-2024માં 34,048 ખેડૂતોને
રૂ. 135.09 કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, ખેડૂતોને કુલ રૂ. 288.13 કરોડની વીજ બિલમાં રાહત આપી છે. તેમજ નવસારી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ 2023માં 52,205 ખેડૂતોને રૂ. 74.87 કરોડ તથા વર્ષ 2024માં 52,369 ખેડૂતોને રૂ. 66.92 કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, છેલ્લાં બે વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. 141.79 કરોડની વીજ બિલમાં રાહત આપવામાં આવી છે,
આ ઉપરાંત સાબરકાંઠા, ખેડા, સુરત, સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, દાહોદ, ભાવનગર, કચ્છ, ગાંધીનગર, વડોદરા, મોરબી, વલસાડ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વીજ બિલમાં રાહત પેટે સબસિડી આપવામાં આવી હોવાની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.