ચોથો ટેસ્ટ રસપ્રદ: ઇંગ્લેન્ડને સીમિત રાખી ભારત ડ્રાઇવિંગ સીટ પર બેસી જશે? 

શાર્દુલની તોફાની ઇનિંગે ભારતીય ટીમમાં નવા પ્રાણ ફૂંકી દીધા!!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ઓવલમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે ટોસ જીતીને ભારતીય ટીમને બેટીંગ માટે મેદાને ઉતરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. રુટની રણનિતી મુજબ જ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ટીમ ઝડપ થી વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થવા લાગી હતી. ભારતીય ટીમ ૧૯૧ રન પર જ સમેટાઈ ગઈ હતી. જોકે શાર્દૂલ ઠાકુરે ઝડપી અર્ધશતક લગાવીને દિવસની નિરાશાને હળવી કરી દીધી હતી.

શાર્દુલ ઠાકુરની તોફાની ઇનિંગને કારણે સમગ્ર ભારતીય ટીમમાં ફરીવાર ઉત્સાહની લહેર જોવા મળી હતી અને તેનું જ પરિણામ હતું કે, ઇંગ્લિશ ટીમે ફક્ત ૪ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. આજના દિવસમાં ભારતીય બોલરો ઇંગ્લિશ ટીમને સીમિત રનમાં સમેટી સિરીઝ પર મજબૂત કબજો લઈ લે તો પણ નવાઈ નહીં.

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. ભારતીય ટીમ વતી કેપ્ટન વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુરે અર્ધશતક લગાવ્યા હતા. ઠાકુરે જબરદસ્ત રમત રમી હતી. ઠાકુરે ૩૬ બોલમાં ૫૭ રન કર્યા હતા. જેમાં તેણે ૩ છગ્ગા અને ૭ ચોગ્ગા લગાવીને ૩૧ બોલમાં જ તેનું અર્ધશતક લગાવ્યુ હતુ. જે ભારત તરફથી ત્રીજુ સૌથી ઝડપી અર્ધશતક હતુ. કોહલીએ ૯૬ બોલ રમીને ૫૦ રન કર્યા હતા.

ઓપનર જોડી ૨૮ રન પર જ આઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલ અને રોહિત શર્મા બંને ૨૮ રનના ટીમ સ્કોર પર પેવેલિયન પરત ફરી ગયા હતા. રોહિતે ૧૧ અને રાહુલે ૪૪ બોલમાં ૧૭ રન કર્યા હતા. પુજારા માત્ર ૪ રન કરી શક્યો હતો, જે માટે તેણે ૩૧ બોલનો સામનો કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ૧૦ રન, અજીંક્ય રહાણેએ ૪૭ બોલમાં ૧૪ રન કર્યા હતા. પંતે ૩૩ બોલમાં ૯ રન કર્યા હતા.

ઉમેશ યાદવે ૨૦ બોલ રમીને ૧૦ રન કર્યા હતા. યાદવ અને ઠાકુર વચ્ચે ૬૩ રનની ભાગીદારી રમત રમાઈ હતી. ઠાકુરની શાનદાર રમતને લઈને બંને વચ્ચે મોટી ભાગીદારી રમત રમાઈ હતી. જે ભારતીય ટીમના પ્રથમ દાવની મોટી ભાગીદારી રહી હતી. બૂમરાહ શૂન્ય બોલ રમીને શૂન્ય પર જ રન આઉટ સાથે પરત ફર્યો હતો. જ્યારે સિરાજ ૧ રન કરીને અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમે ૧૨૭ રન પર જ ૭ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ઠાકુરના અર્ધશતકે ભારતની સ્થિતીને સુધારી હતી અને ભારતીય ટીમ ૧૯૧ રનના સ્કોર પર પહોંચી હતી. ક્રિસ વોક્સે ૪ વિકેટ હાંસલ કરી હતી. જ્યારે રોબિન્સને 3 વિકેટ મેળવી હતી. ઓવર્ટન અને એન્ડરસને ૧ જ વિકેટ મેળવી હતી.

પ્રથમ બંને સેશનન ઇંગ્લેન્ડના નામે રહ્યા બાદ અંતિમ સેશન ભારતના નામે રહ્યુ હતુ. બેટ થી શાર્દૂલ ઠાકુરે તોફાની અર્ધશતક લગાવ્યુ હતુ. બાદમાં બુમરાહે ૨ વિકેટ ઇંગ્લેન્ડના બંને ઓપનરોને ઝડપથી આઉટ કર્યા હતા. હસિબ હમિદ શૂન્ય રને અને રોરી બર્ન્સ ૫ રન કરીને આઉટ થયો હતો. જ્યારે જબરદસ્ત ફોર્મમાં રહેલા ઇંગ્લેન્ડને કેપ્ટનની વિકેટ પણ ઝડપ થી મેળવી શકાઇ હતી. રુટે ૨૫ બોલમાં ૨૧ રન કર્યા હતા. તેને ઉમેશ યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેવિડ મલાન ૨૬ રન અને ક્રેગ ઓવર્ટન ૧ રન સાથે રમતમાં છે.

ભારતે બોલિંગમાં કરેલો અખતરો ક્યાંક કામ લાગી ગયો હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે. ઉમેશ યાદવે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઈનફોર્મ કેપ્ટન જો રૂટને આઉટ કર્યો હતો જે ટીમ ઇન્ડિયા માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે.