કેશોદમાં આજા ફસાજા જેવી સ્કીમમાં 13 વ્યકિત સાથે 7 લાખની છેતરપિંડી

અબતક,જય વિરાણી

કેશોદ

જૂનાગઢની ઓમ એન્જિનીયરીંગ કોલેજના કર્મચારીએ કેશોદમાં ડ્રીમ ટ્રીઝર સ્કીમ શરૂ 13 વ્યક્તિઓને રોકાણ સામે વધુ વળતર ચૂકવાની લોભામણી લાલચ દઇ અંદાજે રૂા.7 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં રજૂઆત થતા પોલીસે કેશોદના વતની અને કોલેજના કર્મચારી સામે તપાસ હાથધરી છે.

ડ્રીમ ટ્રીઝર સ્કીમમાં રોકાણ સામે મોટુ વળતર આપવાની લોભમણી લાલચ દઇ જૂનાગઢની ઓમ એન્જિનિયરીંગ કોલેજના કર્મચારી વિરૂધ્ધ રજૂઆત

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પબ્લીક ફરિયાદ નિવારણના અધ્યક્ષ વી.ટી.સીડાએ જૂનાગઢની ઓમ એન્જિનીયરીંગ કોલેજમાં ફરજ બજાવતા કેશોદના ભરત રાઠોડે અઢી માસ પહેલાં કેશોદમાં ડ્રીમ ટ્રીઝર સ્ક્રીમ શરૂ કરી 13થી વધુ વ્યક્તિઓ સાથે રૂા.7 લાખની છેતરપિંડી કર્યા અંગેની કેશોદ મામલતદારને રજૂઆત કરતા કેશોદ પોલીસે તપાસ હાથધરી છે.ભરત રાઠોડે કેશોદની રાજધાની હોટલમાં સ્કીમના પ્રચાર માટે મિટીંગનું આયોજન કરી ડ્રીમ ટ્રીઝર એપ્લીકેશન ગુગલ લીંક દ્વારા ડાઉન લોડ કરાવી દરરોજના 2500ના રોકાણ સામે દરરોજ રૂા.100નું વળતર, રૂા.7 હજારના રિચાર્જ સામે રૂા.280નું વળતર અને રૂા.18 હજારના રિચાર્જ સામે રૂા.720નું વળતર ચુકવવાની આશરે 70 જેટલી વ્યક્તિઓને સમજ આપી હતી જે પૈકી 13 જેટલી વ્યક્તિઓ ભરતભાઇ રાઠોડની આજા ફસાજા સ્કીમમાં ફસાયા હતા અને તેઓએ જુદી જુદી સ્કીમમાં રિચાર્જ કરાવ્યું હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું.

સાત જેટલી વ્યક્તિઓએ રૂા.7 લાખ જેટલી રકમનું રિચાર્જ કરાવ્યા બાદ એકાએક એપ્લીકેશન બંધ થઇ જતા રોકાણકારોના નાણા ફયાતા પોલીસે ભરત રાઠોડની પૂછપરછ કરતા તેઓએ બે પરપ્રાંતિય શખ્સો દ્વારા આ સ્કીમની સમજ આપી મોટુ વળતર આપવાનું જણાવતા ભરત રાઠોડ પણ છેતરાયો હોવાનો બચાવ કર્યો હતો.