“મિશન બેટર ટુમોરો” સંદર્ભે સિવિલમાં નિ:શુલ્ક એપીલેપ્સી નિદાન કેમ્પ યોજાયો

બાળકોને તાણ આંચકી આવતાં અંધશ્રધ્ધાથી દૂર રહીને યોગ્ય નિદાન કરવા કલેકટરની જનતાને અપીલ: કેરલાનાં એસ્ટર મિમ્સ હોસ્પિટલના ન્યૂરો સાયન્સ તજજ્ઞો દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, પી.ડી.યુ. હોસ્પિટલ, “મિશન બેટર ટુમોરો” અને કાલિકટ મુકામે આવેલી એસ્ટર મિમ્સ હોસ્પિટલ દ્વારા પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે 22 અને 23 જૂનના રોજ એપીલેપ્સી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.

આ કેમ્પનો દીપપ્રાગટયથી પ્રારંભ કરાવતા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટર રેમ્યા મોહનના પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન શક્ય બન્યું છે. રાજકોટ માટે ગર્વની વાત છે કે, રેમ્યા મોહને રાજકોટના એપીલેપ્સીના દર્દીઓની ચિંતા કરીને “મિશન બેટર ટુમોરો” સંસ્થા અને એસ્ટર મિમ્સ હોસ્પિટલને રાજકોટના આંગણે આવવાની પ્રેરણા આપી છે. આ કાર્યક્રમ એપીલેપ્સીના યોગ્ય નિદાન સાથે બાળકોને બીજી જીંદગી આપવાનો અવસર છે.

કલેકટરએ એપીલેપ્સીની સારવાર શક્ય છે એ વાત ઉપર વિશેષ ભાર મુકતાં કહ્યું હતું કે, આજે પણ તાણ અને આંચકી આવે તો માતાજીનો કોપ સમજીને નાગરિકો અંધશ્રધ્ધા તરફ વળી જાય છે અને સમયસર યોગ્ય નિદાન ન મળતાં એપીલેપ્સીની બિમારી જીવલેણ સાબિત થાય છે. આમ કરવાને બદલે બાળકોની યોગ્ય તબીબી સારવાર લેવી જોઇએ, એમ તેમણે ઉમેર્યું હતું.

 

ગુજરાત રાજ્ય “મિશન બેટર ટુમોરો” કો-ઓર્ડિનેટર રાજેશ નાંબિયારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. અને ખાતરી આપી હતી કે અમારી નિષ્ણાંત તબીબોની ટીમ યોગ્ય નિદાન સાથે દર્દીઓને નવું જીવન પ્રદાન કરશે.

એપીલેપ્સી થવાના કારણો અંગે માહિતી આપતાં ડો. અંકુર પાચાણીએ જણાવ્યું હતું કે, જેનીટીક ડિસઓર્ડર, અકસ્માતથી થયેલ ઈજાઓ અને બ્રેઈન સ્ટ્રોકને કારણે એપીલેપ્સી થવાની સંભાવના વધી જાય છે. બાળકને 30 સેક્ધડથી બે મિનિટ સુધી આવતી આંચકી ચિંતાજનક બાબત નથી પરંતુ 5 મિનિટથી વધારે આંચકી રહે તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે. જો સમયસર સારવાર લેવામાં ન આવે તો જીવલેણ પણ બની શકે છે.

આ કેમ્પ હેઠળ “મિશન બેટર ટુમોરો” અને એસ્ટર મિમ્સના સંયુક્ત પ્રયાસથી “સેક્ધડ લાઇફ – બિકોઝ લિટલ લાઈવસ મેટર” સ્લોગન હેઠળ એસ્ટર મિમ્સના ન્યૂરો સાયન્સ વિભાગના નિષ્ણાંત ડોકટર્સની ટીમ દ્વારા એપીલેપ્સીના દર્દીઓને તપાસવામાં આવશે અને મફત નિદાન, ઈ.ઈ.જી. તથા દવાઓ પી.ડી.યુ કોલેજની સહાયથી આપવામાં આવશે. તેમજ જરૂર જણાયે કાલિકટની હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

કેમ્પમાં વ્યવસ્થાના લીરેલીરા ઉડતા બાળ દર્દીઓ રઝડ્યા: જમીન પર સુવડાવીને આપી સારવાર

બાળકો માટે યોજાયેલા બે દિવસીય આચકીના નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. પરંતુ તેની સામે સિવિલ હોસ્પિટલ તંત્ર વ્યવસ્થામાં મીંડું સાબિત થયું હતું. સારવાર માટે આવેલા દર્દીઓને બેસવાની પણ સુવિધા મળી ન હતી. તો બીજી તરફ ઘણા બાળકોને કોઈ બેડ કે ટેબલ નહિ પરંતુ જમીન પર ષ સુવડાવીને સારવાર કરવાનો વારો આવ્યો હતો. એક તરફ રાજકોટને એઈમ્સની ભેટ મળી છે તો બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલ માત્ર જીલ્લા માટે નહિ પણ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. પરંતુ આવા કોઈ અગત્યના સેમિનાર અને કેમ્પ માટે વ્યવસ્થા પૂરી ન પાડતા દર્દીઓ અને તેની સાથે આવેલા સબંધીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી છે.