શહિદ થયેલા કોરોના વોરીયર્સના બાળકોને નિ:શુલ્ક ભણતર

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું સત્યુત પગલું

ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જે તે સ્કૂલમાં જમા કરાવવું પડશે

સમાજ માટે જે કોરોના વોરીયર્સ કોરોના સામેની લડાઈમાં મૃત્યુ પામ્યા છે તેઓના બાળકોનું ભવિષ્ય ઉજળુ બને તેવો પ્રયાસ સ્વભિર્નર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. શહિદ થયેલા કોરોના વોરીયર્સના બાળકોને હવે નિ:શુલ્ક ભણતર આપવામાં આવશે તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું સત્યુગ પગલુ સામે આવ્યું છે અને આ ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જે તે સ્કૂલમાં જમા કરાવવું રહેશે.

રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં આવેલી 8000થી વધુ ખાનગી સ્કૂલોના સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મહામંડળના પ્રવકતા ડો.દિપક રાજ્યગુરૂના જણાવ્યા મુજબ રાજ્યમાં આવેલી તમામ સ્કૂલોમાં બાળકોના માતા-પિતા જો કોરોના વોરીયર્સ હોય અને કોરોનાથી મૃત્યુ પામ્યા હશે તો તે બાળકની સંપૂર્ણ ફી માફ કરાશે. આ બાળક શાળામાં ભણે ત્યાં સુધી ફી માફ કરવામાં આવશે.

કોરોનાની મહામારી વચ્ચે શિક્ષણ કાર્ય ઠપ્પ છે ત્યારે પ્રવર્તમાન સમયમાં ઓનલાઈન શિક્ષણ થકી બાળકોને ભણાવાય છે અને ફી મુદ્દે વાલી શાળા સંચાલકો વચ્ચે ચકમક મામલો હાઈકોર્ટ અને સરકાર સુધી પહોંચ્યો હતો. હાલ 25 ટકા ફી માફ કરવામાં આવી છે. તેવા જ સમયે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલકોએ ખુબજ અગત્યનો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો જે અંતર્ગત બાળકના માતા-પિતા બન્નેમાંથી કોઈપણ કોરોના વોરીયર્સ હોય અને કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા હોય તો બાળકને મફત શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બાળક જે પણ સ્કૂલમાં ભણતો હોય અને અન્ય સ્કૂલમાં પણ ભણવાની ઈચ્છા ધરાવતો હોય તો તે બાળકની ધો.12 સુધીની ફી તેના પરિવારને ભરવામાંથી માફી મળશે.

ઉલ્લેખનીય છે કે, ઘણા બાળકોના માતા-પિતાનું કોરોનાથી મૃત્યુ થયું છે અને પિતાનું મૃત્યુ થતાં ઘણા બાળકો ફી ભરી શકતા નથી ત્યારે સંચાલક મંડળના આ નિર્ણયથી આવા બાળકોનું ભણવાનું હવે નહીં છુટે અને તેના પરિવારને પણ મોટી રાહત મળશે. પરંતુ માતા કે પિતા બન્નેમાંથી જે વર્કિંગ પર્સન હોય અને તેમની આવકમાંથી ફી ભરાતી હોય તો તેમનું કોરોનાથી જ મૃત્યુ થયાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

કોરોના વોરીયર્સના બાળકોના હિતમાં નિર્ણય: ડો.જતીન ભરાડ

રાજકોટની ભરાડ સ્કૂલના ટ્રસ્ટી ડો.જતીનભાઈ ભરાડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સહિત દેશભરમાં સ્કૂલો બંધ છે, શૈક્ષણિક કાર્ય ઠપ્પ છે ત્યારે ઓનલાઈન શિક્ષણથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સત્યુગ પગલુ ભરવામાં આવ્યું છે. શહિદ થયેલા કોરોના વોરીયર્સના બાળકોને નિ:શુલ્ક ભણતર આપવામાં આવશે. કેમ કે, હાલ કોરોનાની મહામારીએ વિશ્ર્વ આખાને ભરડામાં લીધા છે. ત્યારે કોરોનામાં શહિદ થઈ ગયેલા કોરોના વોરીયર્સના બાળકો આગળ ભણી શકે તે માટેનો આ મહત્વપૂર્ણ નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.