Abtak Media Google News

આત્મીય કોલેજમાં બુધવારે સવારે ૯ કલાકે આયોજન

ગુજરાત મા.શિ. બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાના પરિણામો આવી ગયાં  છે ત્યારે વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી અંગે સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આત્મીય યુનિવર્સિટીના ઉપક્રમે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.  આત્મીય કોલેજના એ.સી. ઓડીટોરિયમમાં તા. ૩૦મી મે, બુધવારે સવારે નવ વાગ્યે યોજાનારા આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.  આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ધો.૧૦ પછી ડીપ્લોમા એન્જીનીયરીંગની પ્રવેશપ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ અપાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતની કોલેજીસમાં પ્રોફેશનલ કોર્સીઝમાં ઓનલાઈન પ્રવેશપ્રક્રિયા દ્વારા પ્રવેશ આપવામાં આવે છે.  વિદ્યાર્થીએ કોર્સ, વિષય, કોલેજ વગેરેની પસંદગી દર્શાવવાની હોય છે.  પુરતી જાણકારી અને પ્રવેશપ્રક્રિયાની સમજના અભાવે વિદ્યાર્થીઓ ખોટી પસંદગી દર્શાવી દેતા હોય છે. તેને પરિણામે વિદ્યાર્થીને ઈચ્છિત કોર્સ કે કોલેજમાં પ્રવેશ મળી શકતો નથી.

ડીપ્લોમા પ્રવેશપ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન અપાશે

ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ વયમાં નાના હોય છે.  આથી ઓનલાઈન પ્રવેશ પક્રિયામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ ગભરાટમાં કે ગેરસમજથી ખોટી પસંદગી દર્શાવી દે તેવું પણ બનતું હોય છે.  તેને કારણે સારા મેરીટ ધરાવતા વિદ્યાર્થીને ઈચ્છિત કોર્સ-કોલેજમાં એડમિશન ન મળે અને ઓછા મેરીટવાળા વિદ્યાર્થીને સારા કોર્સ-કોલેજમાં એડમિશન મળી જાય.

ધો.૧૦ પછીના કોર્સીઝ અંગે નિષ્ણાંત દ્વારા કારકિર્દી માર્ગદર્શન

ધો. ૧૦ની પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી છે અને તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંગે સાચી સમજ અને જાણકારી મળી રહે તે હેતુથી આત્મીય યુનિવર્સિટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સેમિનાર્સનું આયોજન થઇ રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ડીગ્રી/ડીપ્લોમા ઇજનેરીની હાલ ચાલી રહેલી ઓનલાઈન પ્રવેશપ્રક્રિયામાં ‘આત્મીય’ના સુવિધાપૂર્ણ અને આધુનિક હેલ્પ સેન્ટરનો લાભ વિદ્યાર્થીઓએ મોટા પ્રમાણમાં લઇ રહ્યા છે.  જગ્યાની વિશાળતા, આંતરમાળખાકીય સવલતો અને સહાય માટે તત્પર સ્ટાફને કારણે વિદ્યાર્થીઓનું કાર્ય સરળ બનતું હોવાનો અભિપ્રાય વાલીઓ-વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ધો.૧૦ પછી કારકિર્દી નિર્માણની તકો અંગે જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે વિધાર્થીઓ અને વાલીઓને તા.૩૦મીએ બુધવારે સવારે ૯.૦૦ કલાકે યોજાનારા આ સેમિનારનો અવશ્ય લાભ લેવા આત્મીય યુનિવર્સિટી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.