સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાત્રો થિજાવતી ઠંડી: કાતિલ પવનના સુસવાટા

અબતક, રાજકોટ

મંગળવારે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન નીચું જતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજકોટમાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ ઉપરાંત મહુવા, કેશોદમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં જાન્યુઆરી માસમાં બીજી વખત સિંગલ ડિજિટ તાપમાન પહોંચ્યું હતું. આજે પણ તાપમાન નીચું જ રહેશે અને આવતી કાલથી તાપમાન ઊંચું જાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે હાલ તો રાજ્યભરમાં ગાત્રો થિજાવતી ઠંડી પડી રહી છે અને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડા પવનના સુસવાટા બોલી રહ્યા છે.

રાજ્યના 5 શહેરોનું તાપમાન સિંગલ ડિઝીટમાં: કાલથી પારો ઉચકાય તેવી હવામાન વિભાગની આગાહી

હવામાન ખાતાના જણાવ્યાનુસાર રાજસ્થાનમાં કોલ્ડવેવ શરૂ થતાં રાજ્ય, સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ઠંડી શરૂ થઈ છે. આજે પણ સિંગલ ડિજિટમાં જ તાપમાન રહેશે. સવારે ઠંડો પવન પણ ફૂંકાયો હતો. જૂનાગઢમાં લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી રહેવા પામ્યું હતું જ્યારે હવામાં ભેજ 78 ટકા અને 6.3 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું:
રાજકોટ 9.2, બરોડા 9, જૂનાગઢ 9.4 અને ડીસાનું 9.9 ડિગ્રી તાપમાન

રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે આ ઉપરાંત રાજકોટનું 9.2, બરોડા 9, જૂનાગઢ 9.4 અને ડીસાનું 9.9, સુરતનું 13.4, અમદાવાદનું 10.6, વેરાવળનું 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.