5 થી 20 એપ્રિલ સુધી નવા ચૂંટણી કાર્ડ કે તેમાં સુધારા-વધારાની કામગીરી થઈ શકશે

ચૂંટણી કમિશન દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર:1 એપ્રિલથી શરૂ થશે કાર્યક્રમ, 10 મેં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે

ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે આગામી તા 1 એપ્રિલથી શરૂ થશે. જે અંતર્ગત ચૂંટણી કાર્ડ નવા કઢાવવા કે તેમાં ફેરફાર કરવાની કામગીરી તા. 5થી 20 એપ્રિલ દરમીયાન થશે.

ચીફ ઇલેક્શન ઓફિસર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે તમામ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને પત્ર મારફત જાણ કરવામાં આવી છે. આ કાર્યક્રમ તા.1 એપ્રિલથી શરૂ થશે. જેમાં તા. 5 એપ્રિલના રોજ સંકલિત મતદારયાદીના મુસદાની પ્રસિદ્ધિ કરાવવામાં આવશે. ત્યારબાદ તા.5થી 20 એપ્રિલ એમ 15 દિવસ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે. એટલે કે આ દિવસો દરમિયાન અરજદારો નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકશે આ સાથે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી કરાવી શકશે.

બાદમાં તા.28 એપ્રિલના રોજ હક્ક- દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તા.4 મેને ગુરૂવારના રોજ મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહેશે. સાથે ડેટા બેઇઝ અદ્યતન કરવો અને પુરવણી યાદીઓ જનરેટ કરવી સહિતની કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ તા.10 મેને બુધવારના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આમ 1 એપ્રિલથી સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ શરૂ થવાનો છે. જે 10 મે સુધી ચાલવાનો છે.

 

ખાસ ઝુંબેશના દિવસો હવે જાહેર કરાશે

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી કમિશન દ્વારા ખાસ ઝુંબેશના દિવસો પણ રાખવામાં આવતા હોય છે. 3થી 4 જેટલા રવિવારે રજાના દિવસે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. જેમાં નજીકના મતદાન કેન્દ્રો ખાતે જ ચૂંટણી કાર્ડ નવા કઢાવવાની કામગીરી તથા સુધારા વધારા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે.મોટાભાગના લોકો આ ખાસ ઝુંબેશનો જ લાભ લઈને ચૂંટણી કાર્ડની કામગીરી કરાવતા હોય છે. ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. પણ ખાસ ઝુંબેશના દિવસો હવે પછી નક્કી કરવામાં આવશે.