Abtak Media Google News

લાખથી વધુ બાકી વેરો ભરાવતા રીઢા બાકીદારોની મિલકતો સીલ કરાશે: કોર્પોરેશનની તમામ શાખાના કર્મચારીઓને ટેકસ રિકવરીમાં જોતરી દેવાશે

આગામી ૧લી ફેબ્રુઆરીથી મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા મેગા સિલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત ૧ લાખ કે તેથી વધુ બાકી વેરો ધરાવતા ૮૦૦ જેટલા રીઢા બાકીદારોની મિલકતોને અલીગઢી તાળા લગાવી દેવામાં આવશે. માત્ર ટેકસ બ્રાંચ નહીં પરંતુ તમામ શાખાના કર્મચારીઓને રીકવરીની કામગીરીમાં જોતરી દેવાશે.

આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ સાલના બજેટમાં આપવામાં આવેલા ૨૫૦ કરોડના ટાર્ગેટને હાંસલ કરવા માટે હવે રોજની એક કરોડથી પણ વધુની વસુલાત ફરજીયાત બની જવા પામી છે.

ત્યારે આગામી ૧લી ફેબ્રુઆરીથી મેગા સિલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત એક લાખ કે તેથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓની મિલકત ધડાધડ સીલ કરી દેવામાં આવશે. હાલ ત્રણેય ઝોન કચેરીમાં ૫૫૦ જેટલી મિલકતોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ આંક ૮૦૦ સુધી પહોંચે તેવી સંભાવના છે. ફેબ્રુઆરીથી હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવશે. જેમાં ટેકસ બ્રાંચની સાથે અન્ય બ્રાંચના અધિકારીઓ પણ જોડાશે.

 નળ કનેકશન આપવા કોર્પોરેશને નાક દબાવતા મેડિકલ કોલેજે વેરા પેટે રૂ.૮૫ લાખ ભર્યા

નળ કનેકશન મેળવવું હોય તો બાકી વેરો ભરપાઈ કરવો પડશે તેવી સ્પષ્ટ સુચના આપતા મેડિકલ કોલેજે બાકી વેરા પેટે નિકળતી ૬ કરોડની લેણી રકમ સામે આજે ૮૫ લાખ રૂપિયા ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહાપાલિકા સમક્ષ મેડિકલ કોલેજે ઘણા સમયથી નળ કનેકશનની માંગણી કરી હતી. દરમિયાન ટેકસ બ્રાંચે એવી સ્પષ્ટ તાકીદ કરી હતી કે જો બાકી વેરો ભરવામાં આવશે તો જ નળજોડાણ અપાશે. કોર્પોરેશને નાક દબાવતા અંતે મેડિકલ કોલેજ ઝુકી છે અને આજે વેરા પેટે ૮૫ લાખ ભરપાઈ કરાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.