કુવાડવા જીઆઇડીસીમાં એપેક્ષ ફૂડના કારખાનાના ગોડાઉનમાંથી રૂ. ૧૧.૪૦ લાખનો દારૂ પકડાયો

૨૭૪૪ બોટલ શરાબ, ટ્રક, ચાર કાર અને મોબાઇલ મળી રૂ. ૩૫.૭૫ લાખનો મુદામાલ કબ્જે

વિદેશી દારૂના કટીંગ વેળાએ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી: બે શખ્સોની ધરપકડ

૩૧મી ડીસેમ્બર નજીક આવતા બુટલેગર દ્વારા મોટાપાયે વિદેશી દારૂ ધુસાડવાની પેરવીમાં હોવાની માહીતીના આધારે ક્રાઇમ બ્રાંચે વહેલી સવારે કુવાડવા જીઆઇડીસી વિસ્તારમાં એપેક્ષ ફુડના કારખાનામાં દારુના કટીંગ વેળાએ ત્રાટકીને રૂ. ૧૧.૪૦ લાખની કિંમતનો ૨૭૪૮ બોટલ વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી દારૂ, ટ્રક અને ચાર કાર મળી કુલ રૂા ૩૫.૭૫ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં દારૂ બંધીનો કડક અમલ કરવા કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે એ.સી.પી. ક્રાઇમ ડી.વી. બસીયા અને પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.વી. સાખરા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે કુવાડવા જીઆઇડીસી પ્લોટ નં.ર૧ માં આવેલા એપેક્ષ ફુડસ નામના કારખાનામાં વિદેશી દારુનું કટીંગ થતું હોવાની કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા અને સંજયભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો. પોલીસે રૂ. ૧૧.૪૦ લાખની કિંમતનો ૨૭૪૮ વિદેશી દારુ સાથે પારેવડા ગામના સુરેશ કાનજી કોળી અને મુળ એમ.પી. ના અને હાલ પારેવડા ગામનો કાલેશ પાનસીંગ જાટની ધરપકડ કરી છે.

પોલીસે દારૂ, ટ્રક અને ચાર કાર તેમજ મોબાઇલ મળી રૂા. ૩૫.૭૫ લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં  આદારુનો જથ્થો કોણે મંગાવ્યો અને કોને પહોચાડવાનો હતો તે મુદે તપાસનો ધમધમાટ આદર્યો છે.

બૂટલેગરો દ્વારા પોલીસથી બચવા ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનનો ઉપયોગ

ક્રાઇમ બ્રાંચ દ્વારા કુવાડવા જીઆઇડીસીમાં આવેલા ફુડના કારખાનામાંથી રૂ. ૧૧.૪૦ લાખનો વિદેશી દારુનો વિપુલ જથ્થો ઝડપાયો છે. ત્યારે પાંચ દિવસ પૂર્વે કોટડા સાંગાણીના પિપલાણા જીઆઇડીસીમાં પણ ફુડના કારખાનામાંથી પોલીસે રૂ. ૧૪.૨૫ લાખનો દારુનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારે સવાલ એ થાય કે પોલીસને આંખે પાટા બાંધી બુટલેગરો એ વિદેશી દારુના જથ્થાને સહી સલામત રાખવા ફુડના કારખાનાઓની નવી થીયરી અપનાવી છે કે ફુડની આડમાં દારુનો વેપલો કરવાનો નવો તુખસો શોધાયો છે તે તપાસ નો વિષય છે. અલબત દારુના બન્ને જથ્થામાં ફુડ કારખાના તો ઉપયોગ યોગાનુયોગ હોઇ શકે પણ શંકાસ્પદ જરુર ગણાય.