- ચોમાસા દરમિયાન આગામી તા. 15 જૂનથી 4 મહિના માટે રાજ્યના તમામ અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે
- તા. 16 ઓક્ટોબરથી પુનઃ શરૂ કરાશે
- આ સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી
- પ્રાણીઓનો પ્રજનનકાળ તેમજ વરસાદ-પુરના કારણે પ્રવાસીઓ પર પ્રતિબંધ
ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. 15 જૂનથી ચાર માસ માટે એટલે કે તા. 15 ઓક્ટોબર-2025 સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યાનુસાર આગામી તા. 16 ઓક્ટોબર-2025થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.