Abtak Media Google News

દેશ-વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટશે: તડામાર તૈયારીઓ

આગામી ૨૧ માર્ચના રોજ તીર્થભૂમિ સારંગપુરમાં આ વર્ષે પણ ફુલડોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાશે. તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી આ ઉત્સવ ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. તેમણે અનેકવાર ફુલડોલ ઉત્સવ કરી સારંગપુર ગામને તીર્થત્વ આપ્યું છે તે સમયે પણ ગામોગામથી હરિભકતો આ ઉત્સવમાં લાભ લેવા પધારતા શ્રીહરિ પોતે સંતો ભકતો સાથે રંગે રમીને બધાને અલૌકિક સુખ આપતા.

પ.પૂ.મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી પરંપરાગત રીતે પાણીથી ઉજવાતો આ ઉત્સવ આ વખતે ફુલો દ્વારા ઉજવવામાં આવશે. સ્વામીશ્રી ફુલોકી હોલી દ્વારા ભકતોને દિવ્ય સુખની લ્હાણી કરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ અને ધંધુકા ક્ષેત્રમાંથી છેલ્લા એક મહિનાથી સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ રોજ પોતાની સેવા આપી રહ્યા છે વળી સંતો-ભકતો તપવ્રત કરતા કરતા આ સેવાઓ કરી રહ્યા છે.આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભકતોની વ્યવસ્થા પુરી પાડવા અત્યારે સારંગપુરમાં મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે.

વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે ૩૦ જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત અને અનુભવી સેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ૧૦ લાખ ચોરસ ફુટના વિશાળ મેદાનને સ્વચ્છ અને સમતળ કરી સભામંડપ તરીકે ઉપયોગમાં લેવાયું છે. ટ્રાફિકના પ્રશ્ર્ને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સારંગપુર ગામની બન્ને દિશાઓમાં વિશાળ પાર્કિંગ પ્લોટની રચના કરવામાં આવી છે.

આટલી મોટી સંખ્યામાં જયારે ભાવિકો સારંગપુરમાં પધારી રહ્યા છે ત્યારે ભકતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં મેડિકલ વિભાગના નિષ્ણાંત તબીબો અને મેડિકલ વાન પણ ૨૪ કલાક સેવામાં રહેશે તે સિવાય સભાવ્યવસ્થા, પાકશાળા, પુછપરછ વગેરે વિભાગોના સંતો, સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક રાત-દિવસ ખડેપગે રહી સેવા કરી રહ્યા છે. પુરુષોની સાથે મહિલા હરિભકતો પણ અનેરા ઉત્સાહ સાથે શ્રમ અને સેવાયજ્ઞમાં જોડાયા છે. સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સાહ, આનંદ અને ભકિતભાવનાં તરંગો ઝિલાઈ રહ્યાં છે.

સર્વત્ર ઉત્સવનો માહોલ જામ્યો છે. પ.પૂ.મહંતસ્વામી મહારાજ રોજ સવારે ૫:૩૦ વાગ્યે પ્રાત પૂજા દર્શનનો લાભ આપશે. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યામંદિરની બાજુના વિશાળ મેદાનમાં આ ઉત્સવની મુખ્ય સભા થશે. ઉત્સવ સભા તા.૨૧મીએ સાંજે ૪:૦૦ વાગ્યે શ‚ થશે ત્યાં સદગુરુ સંતોના પ્રેરક પ્રવચનો ગુરુહરિના આશીર્વચન અને પુષ્પદોલોત્સવનો લાભ પ્રાપ્ત થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.