મંગેતરને ગર્ભવતી બનાવનાર ભાવિ ભરથારને 10 વર્ષની સજા

રૂ.75 હજારનો દંડ ન ચુકવે તો વધુ છ માસની કેદ, ભોગ બનનારના પરિવારને રૂ.7.50 લાખનું  વળતર ચૂકવવા હુકમ

રાજકોટમાં  સગીર મંગેતરને ઘરે કામ કરવા બોલાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દઈને લગ્નનો ઇનકાર કરી  આપઘાત માટે મજબૂર કરનારા ભાવિ પતિ એમવીએમ  કોમ્પ્યુટર કોલેજના કમ્પાઉન્ડમાં રહેતા નરાધમને પોક્સો કોર્ટના ખાસ જજ કે ડી દવેએ 10 વર્ષની કેદ અને દંડ તેમજ પીડિતાના પરિવારજનોને સરકારી સહાય આપવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ રાજકોટ કોટેચા ચોક પાસે ફાયરબ્રિગેડ સ્ટેશનની સામે એમ બી એમ કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટરના કમ્પાઉન્ડમાં રહેતા મનીષ મુત્તુસ્વામી નાયર (ઉ.વ. 24)ની સગાઈ થઈ ગઈ હોય, તેણે ઘરે કામ કરવાવાળું કોઇ ન હોય તે બહાને મંગેતરને ઘરે કામ કરવા બોલાવી હતી તેમાં ભાવિ પતિએ મંગેતરની ઈચ્છા વિરુદ્ધ અનેક વખત શરીરસંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ બાબતે પીડિતાના માતા-પિતા દ્વારા મનીષ નાયરને અનેક વખત સમજાવટ કરવા છતાં તે લગ્ન કરવા તૈયાર થયો ન હતો.

આથી માઠું લાગતા પીડિતાએ પોતાને ઘેર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. જેમાં પીડિતાને સારવાર માટે ખસેડાઇ હતી, ત્યારે તેણીએ મનીષ નાયર વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. આ ઉપરાંત પીડિતા ગર્ભવતી હોવાના કારણે તેના ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું, જેમાં બાયોલોજિકલ પિતા તરીકે મનીષ મુત્તુસ્વામી નાયર હોવાનો રિપોર્ટ આવ્યો હતો. સારવાર દરમિયાન  પીડિતાનું મૃત્યુ થયું હતું.

આ બનાવમાં ભોગ બનનાર પીડિતાએ સારવાર દરમિયાન આપેલી પોલીસ ફરિયાદ તેમજ મરણોત્તર નિવેદનના આધારે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શાભ 376 323 306 હેઠળ ગુનો નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસ ચાલવા દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી મૃતક પીડિતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજુ કરાતા મૃતક પીડિતા સગીર વયની હોય ગુનામાં પોક્સો એક્ટ કલમ 4 અને 6નો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલતા તપાસનીશ  અધિકારી, તબીબો, પીડિતાના સગા સંબંધી સહિતના સાહેદોની જુબાની તેમજ સરકારી વકીલ બિનલ બેન રવેશિયાની રજૂઆતો દલીલો અને  ઉચ્ચ અદાલતોના રજૂ કરાયેલા ચુકાદાઓને ધ્યાને  લઈને સ્પેશિયલ જજ કે ડી દવેએ આરોપી મનીષ ગોસ્વામી નાયરને શાભ 376 અને પોક્સો એક્ટ કલમ 4 અને 6ના ગુનામાં તકસીરવાન ઠરાવી રૂપિયા 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 50 હજાર દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદ ઉપરાંત શાભ 306 ના ગુનામાં આરોપી મનીષ મુત્તુસ્વામી નાયરને દસ વર્ષની સખત કેદ અને રૂપિયા 25 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ 3 માસની કેદનો હુકમ કર્યો છે.

આ ઉપરાંત અદાલતે તેના હુકમનામામાં આરોપી તરફથી દંડની રકમ ભરવામાં આવે તે રકમ તેમજ રૂ. 7.50 લાખની સરકારી સહાય મૃતક પીડિતાના માતા-પિતાને સુપ્રત કરવા સુચના આપવામાં આવી છે.આ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ બિનલબેન રવેશિયા રોકાયા હતા.