Abtak Media Google News

બે મહિનામાં જ એકસ્પાયર થઈ જનારી લાખો રૂપિયાની દવા જી જી હોસ્પિટલમાં ધૂળ ખાય છે પણ હોસ્પિટલ તંત્ર દવા કોઈને ફાળવતું ન હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.જી.માં સરકાર કરોડો રૂપિયાના ખર્ચે ગરીબ અને નબળા લોકો માટે મફત દવાઓનો જથ્થો પુરો પાડે છે, પરંતુ જી.જી. હોસ્પિટલના સત્તાધીશોની અણઆવડત અથવા તો બેદરકારીના કારણે દવાનો આ જથ્થો પડયો પડયો જ એક્સપાયરી ડેટ સુધી પહોંચી જાય છે. જેને બાદમાં પરત મોકલી દેવામાં આવે છે. આવો જ જથ્થો સ્કીન વિભાગમાં પડયો છે જેની અવધી પુરી થવા બસ હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં દરરોજ હજારો ગરીબ દર્દીઓ દવા લેવા માટે આવે છે.

જેના માટે સરકાર પણ કરોડો રૂપિયાના દવાઓનો જથ્થો હોસ્પિટલમાં મોકલી આપે છે પરંતુ આ દવાનો જથ્થો જરૂરીયાતમંદ દર્દી સુધી પહોંચવાના બદલે પડયો પડયો સડી જાય છે પરંતુ દર્દીને દેવામાં આવતો નથી. જેના કારણે દર્દીને નાછૂટકે બહારથી મોંધી દવાઓ ખરીદવી પડે છે.આવો જ દવાનો વિશાળ જથ્થો જેમાં ટયુબ, મલમ તેમજ દવાઓ વગેરે છે તે ચામડીના વિભાગમાં લાંબા સમયથી ધુળ ખાઇ છે લોકોને દવા આપવાના બદલે આશ્ચર્યજનક રીતે આ દવાઓને અહીં એક્સપાયરી ડેટ સુધી સાચવવામાં આવે છે. અહીં પડેલો જથ્થો બે મહિનામાં એક્સપાયર થઈ જશે જે બાદ તેને ફેકી દેવાશે અથવા તો પરત મોકલી દેવામાં આવશે. પરંતુ આ જથ્થાનો સદઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે તપાસનો વિષય છે.

દવાઓ કેમ સાચવી રાખવામાં આવે છે?

જી.જી. હોસ્પિટલમાં દવાઓનો જથ્થો કેમ સાચવી રાખવામાં આવે છે તે બાબતે સૂત્રો જણાવે છે કે, અંગત તેમજ ઓળખીતા હોય તેમને દવા આપવામાં આવે છે, અજાણ્યા તેમજ અન્ય લોકોને કમિશનની લાલચથી દવા લખી દેવામાં આવે છે, જે તેણે બહારથી ખરીદવી પડે છે.

જવાબદારી સ્કીન વિભાગની છે: સુપ્રિ.

દવાનો જથ્થો સ્કીન વિભાગમાં પડયો છે તે અંગેની કોઇ જાણકારી નથી પરંતુ જથ્થો હોય તો તેનું વિતરણ કરવું વગેરેની જવાબદારી સ્કીન વિભાગની હોય છે. તેમણે આ બાબતે જોવાનું હોય છે. તેમ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.