ગેડિયા બાપ-દીકરા એન્કાઉન્ટરમાં ટોળાનો હુમલો ઉપજાવી કાઢેલો ?

સગીર પુત્રી દ્વારા કરાયેલી અરજી મામલે હાઇકોર્ટે નોટિસ ફટકારી તપાસ કરવા આદેશ આપ્યા

 

 

અબતક, અમદાવાદ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નવેમ્બર 2021માં થયેલા એન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે સગીર પુત્રીની ફરિયાદના આધારે એન્કાઉન્ટરની તપાસના આદેશ આપ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયા ગામના રહેવાસી હનીફ ખાન જાટ મલે ઉર્ફે કાલુ મુન્નુ(44), તેની સામે 86 ફોજદારી કેસ નોંધાયેલા હતા. હાઇવે પર લૂંટ, હત્યા, ચોરી, છેતરપિંડી અને પોલીસ પર હુમલા જેવી 59 ઘટનાઓમાં હનીફ ખાનની  ધરપકડ પણ કરવામાં આવી હતી. પુત્ર સાથે તેના ગામમાં હાજર હતો, જે દરમિયાન પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી હતી અને એન્કાઉન્ટરમાં હનીફ ખાન અને તેનો 16 વર્ષનો પુત્ર મદીન માર્યો ગયો હતો. તેમની સગીર પુત્રી સોહાનાએ 3 જાન્યુઆરી, સોમવારે એડવોકેટ યતિન ઓઝા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એન્કાઉન્ટરની તપાસની માંગ કરી હતી. હાઈકોર્ટે સગીર પુત્રીની અરજી સ્વીકારતા જિલ્લા પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

એડવોકેટ જતીન ઓઝાએ પણ ચીફ જસ્ટિસ સમક્ષ આ મામલાની વહેલી સુનાવણીની માંગણી કરી હતી, જેનો નિર્ણય આગામી દિવસોમાં આવવાનો છે. નવેમ્બર 2021માં આ એન્કાઉન્ટર બાદ પોલીસે જણાવ્યું કે જ્યારે વોન્ટેડ અપરાધી હનીફ ખાન ધરપકડ કરવા આવ્યો ત્યારે તેણે પોલીસ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને તેના પુત્રએ પણ હુમલો કરીને બે પોલીસકર્મીઓને ઘાયલ કર્યા હતા. ઉપરાંત તે જ સમયે આશરે 15 લોકોના ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવું પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું છે જેની સામે બચાવમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો અને આ એન્કાઉન્ટરમાં પિતા-પુત્ર બંનેના મોત થયા હતા.સોહાનાએ તેના સગીર ભાઈની હત્યાની પોલીસ તપાસની માંગણી કરીને આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું છે. અરજીમાં તેણે જણાવ્યું કે તેની માતા ઘણા મહિનાઓથી પડદામાં છે અને તે તેની દાદી સાથે આ અરજી દાખલ કરવા માટે હાઈકોર્ટ પહોંચી છે. આ પહેલીવાર નથી જ્યારે ગુજરાત પોલીસ પર નકલી એન્કાઉન્ટરનો આરોપ લાગ્યો હોય.આ પહેલા પણ ગુજરાત પોલીસ અધિકારીઓ સાદિક જમાલ, સોહરાબુદ્દીન, ઈશરત જહાં વગેરેના એન્કાઉન્ટર કેસમાં આરોપી હતા અને ઘણા પોલીસ અધિકારીઓને જેલમાં જવું પડ્યું હતું. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ગુજરાતનો સૌથી ચર્ચિત કેસ હતો જેનું રાજકારણ પણ થયું હતું. મુંબઈની કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાંના એન્કાઉન્ટરને લઈને પણ ગુજરાત પોલીસ લાંબા સમયથી કેન્દ્રીય એજન્સીઓના નિશાના પર છે. હનીફ ખાન એક બદમાશ અને ગુનેગાર હતો, તેની સામે ડઝનેક કેસ નોંધાયેલા હતા અને 5 ડઝન કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેની પુત્રી સુહાનાએ આ અરજીમાં ન્યાયની માંગણી કરતા કહ્યું છે કે તેનો 16 વર્ષનો ભાઈ નિર્દોષ છે. હાઈકોર્ટે જિલ્લા પોલીસને એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.