ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે. જ્યાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે.
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડવામાં આવેલ છે. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે. મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભરાટ થઈ ગયો છે.
આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ ‘અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે ’એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માગણી કરેલ છે.
આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7માં અભ્યાસ કરતા હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માગણી કરેલ છે. નોંધનીય છે કે, શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે.
આ ગંભીર ઘટના અંગે અમારી ટીમે રાજ્યના શિક્ષણમંત્રી, પ્રફુલ પાનસેરિયા સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “બાળકોએ ગેમ રમી અને સામસામે હારતા હોય તેમાં અણી કાઢવાના સંચાની બ્લેડ મારતા હતા. આ ઘટના આઠ દિવસ પહેલાની છે. વીડિયો ગેમનું આવું ભૂત ક્રૂરતા સુધી લઈ જાય તે ચિંતાજનક છે. પોતાના હાથે પોતે બ્લેડ મારે એટલે બાળકના કૂણા માનસ પર ખરાબ અસર થતી હોય છે. આ બાબતે અમે સોશિયલ મીડિયામાં બાળકો વાલીઓને આ અંગેનું યોગ્ય જ્ઞાન મળે તે માટે પગલાં ભરવાનું વિચારી રહ્યા છે. આજે બ્લેડ મારી છે, કોઈ ક્યાંક કૂદવાની રમત રમતા હોય આ બધું વીડિયો ગેમ જોઈને કરતા હોય તે આપણા બધા માટે ડેન્જરસ છે. આ ઘટના આપણા માટે રેડ સિગ્નલ છે. આ ઘણી ગંભીર ઘટના છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનો કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે.
આ સાથે વીડિયો ગેમના રવાડે ચઢી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ચીરાં પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. એક બાળકે તો તેના સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા આપવા સુધીની ઓફર કર્યાની પણ જાણકારી મળી રહી છે. આ મામલો લગભગ આઠ દિવસ સુધી છુપાવાયો હતો અને આખરે ઘટના ઉઘાડી પડી જતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બ્લૂ વ્હેલ નામની ગેમ આવી હતી જેમાં લોકોને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અને જીવને જોખમમાં મૂકે તેવા ટાસ્ક આપવામાં આવતા હતા. તે એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે અમરેલીના બગસરામાં આ વિદ્યાર્થીઓ હાલ કઈ ગેમ રમી રહ્યા હતા તે તપાસનો વિષય છે.