Abtak Media Google News

મોરબીનો પરિવાર પુત્ર સગાઇ કરી પરત ફરતી વેળાએ

સગાઇ થયેલા પુત્ર સહિત ત્રણની અર્થી ઉઠતા સતવારા પરિવાર હિંબકે ચડ્યું: બે કાર સામ-સામી ટકરાતા ખુશીનો માહોલ શોકમાં પલટાયો: ત્રણ ઘાયલ

સાગર સંઘાણી 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા અને જામનગર વચ્ચે ધોરી માર્ગ પર આજે કાર સામસામે ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં મોરબીના સતવારા પરિવારની એક યુવાન તથા 2 મહિલા સહિત ચાર વ્યકિતના મૃત્યુ નિપજેલ તેમજ અકસ્માતના કારણે ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે.

ખંભાળીયા-જામનગર હાઈવે પર ખટીયા ગામ નજીક સામેથી આવી રહેલ વોકસ વેગન કાર ડિવાઈડર કુદીને સ્વીફટ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યકિતના મોત નિપજ્યા હતા. 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 ની મદદથી જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. હાઈવે પર અકસ્માત સર્જાતા નજીકના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી ઈજાગ્રસ્તો-મૃતકોને બહાર કાઢયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને કારનો ભૂક્કો બોલી જવા પામેલ છે.

ખટીયા નજીક આજે સાંજે 5 વાગ્યા આસપાસ સર્જાયેલ અકસ્માતમાં વોકસવેગન કાર નં.જીજે3એઈ-3833 ખંભાળીયા તરફ પુરપાટ ઝડપે જતી હતી ત્યારે અચાનક ડિવાઈડર કુદીને જામનગર તરફ જતી સ્વીફટ કાર નં.જીજે10એપી-9337 સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં મોરબીનો સતવારા પરિવાર તેમના પુત્રની સગાઈ કરી પરત ફરતો હતો તેના ત્રણ સભ્યો જેમાં જેની સગાઈ થયેલ તે યુવાન તેમજ તેની બે બહેનોના મોત નિપજ્યા હતા.

ખટિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસના ગ્રામજનોએ ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્તો-મૃતકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી 108 ત્થા પોલીસને જાણ કરેલ હતી. અકસ્માતમાં મોરબીના સતવારા સમાજના પરિવારના ચેતન ખાણધર તેમજ તેમની બે બહેનો મનિષા ત્થા રીનાના ઘટના સ્થળે જ મોત નિપજેલ હતા. આ અકસ્માતમાં ઘવાયેલ 4 વ્યકિતને જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન 1 વ્યકિત મૃત્યુ પામ્યાનુ જાણવા મળેલ છે.

આ અકસ્માતની જાણ થતા જીલ્લા વહીવટી તંત્રના ડીઝાસ્ટર વિભાગના મામલતદાર, નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલે પહોચી જઈ બનાવ અંગેની વિગતો મેળવી હતી. જેમાં ચેતન ખાણધર(37) મનિષા ચુનીભાઈ હડીયલ(19), રીના નરેન્દ્રભાઈ ખાણધર 28 ત્થા પુરીબેન રાજુભાઈ વાઘેલા (25)ના મૃત્યુ નિપજ્યાનુ તેમજ ભૂદરભાઈ ખાણધર(40), હેત્વી નરેન્દ્ર ખાણધર (2 વર્ષ) નેહલ ચુનીભાઈ હડીયલ 16 તેમજ જીત યોગેશ કનખરા સારવાર હેઠળ હોવાનુ જીલ્લા વહિવટી ત્થા પોલીસ તંત્રમાંથી જાણવા મળેલ છે. મૃતકોમાં રીના નરેન્દ્ર ખાણધર અને ઈજાગ્રસ્ત જીત જામનગર ખાતે રહેતા હોવાનુ જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.